કોરોનાનો કહેરઃ અમેરિકામાં 20 વર્ષ બાદ ચેપી રોગ ઇમર્જન્સી જાહેર

વોશિંગ્ટન, કોરોના વાઇરસના વધતા પ્રભાવને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇમર્જન્સી જાહેર કરી છે. ટ્રમ્પે આ વાઇરસ સામે લડવા સંઘીય મદદ (ફેડરલ સહાય) તરીકે 50 અરબ ડોલરની જાહેરાત કરી છે. અમેરિકામાં 20 વર્ષ બાદ કોઇ ચેપી રોગને રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આ પહેલા વર્ષ 2000માં તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને વેસ્ટ નીલે વાઇરસ (West Nile virus) નો સામનો કરવા માટે આવી ઇમર્જન્સીની જાહેરાત કરી હતી. ટ્રમ્પે આ જાહેરાત દરમિયાન કહ્યું કે આગામી અઠવાડિયાઓમાં આપણા જીવનમાં પરિવર્તન અને ઘણો ત્યાગ કરવો પડશે. આપણા આ ત્યાગથી લાંબા ગાળે ઘણો લાભ થશે. આગામી આઠ આઠવાડિયા આપણા માટે ઘણા મહત્વપૂર્ણ રહેવાના છે. આ સાથે જ તેમણે કોરોના સામે લડવા માટે દરેક રાજ્યમાં ઇમર્જન્સી કેન્દ્રો સ્થાપના કરશે. બીજી તરફ, દુનિયામાં કોરોના વાઇરસના કારણે કુલ 1 લાખ 45 હજાર 634 કેસ સામે આવી ચુક્યાં છે. ભારતીય સમય અનુસાર શનિવાર સવાર સુધીમાં કુલ 5436 લોકોના મોત નીપજ્યાં છે.