કોરોનાનો ડરઃ શહેરના વાલીઓમાં હજુ બાળકોને શાળાએ મોકલવામાં ખચકાટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/school-1-1024x569.jpg)
Files Photo
અમદાવાદ, અમદાવાદ શહેર અને જીલ્લામાં ગત ર સપ્ટેમ્બરથી ધોરણ ૬ થી ૮ની પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણનો દોઢેક વર્ષના લાંબા સમયગાળા બાદ આરંભ થયો છે. એક અંદાજ મુજબ શાળા શરૂ થયાના પ્રથમ દિવસે તો ૩પ ટકા જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં બાદ હવે ૧પ સપ્ટેમ્બર આવતાં સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
અને ગ્રામ્ય કક્ષાએ તો સરકારી પ્રાથમિક શાળાઓમાં હાજરી અદાજે ૮૦ ટકા થઈ ગઈ છે. જ્યારે શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં હાજરી પ૧ ટકાની આસપાસ પહોંચી છે. આમ, જીલ્લા શિક્ષણ સમિતિની શાળઓમાં હાજરીમા સારો એવો વધારો થયો છે.
કોરોના પણ શાંત થયો તેની સાથે તહેવારોની સિઝન પણ પૂર્ણ થયા બાદ હાજરી વધી છે, પરંતુ શહેરના વાલીઓ હજુ પણ ચિંતિત છે અને તેમનાં બાળકોને શાળાએ મોકલવા માટે ખચકાટ અનુભવે છે તો અન્ય કારણ ટ્રાન્સપોસ્ટેશનનું પણ છે, કારણ કે કેટલાક મા-બાપ પોતાના બાળકને દરરોજ શાળાએ લેવા-મૂકવા જવા માટે સક્ષમ નથી.
શહેરમાં ધોરણ-૬ થી ૮ની શાળાઓમાં એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડીને શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. શહેરની મોટા ભાગની સ્કૂલોમાં પ૧ ટકાની હાજરી થવા લાગી છે. વિદ્યાર્થીઓ પણ દોઢેક વર્ષ ઘરે રહ્યાં બાદ હવે શાળા તરફ આકર્ષાયા છે અને મિત્રો સાથે વર્ગમાં પ્રત્યક્ષજ્ઞ શિક્ષણનો આનંદ માણતા થયા છે. આથી જ રોજબરોજ હાજરી વધતી જાય છે.
ઘણા વાલીઓએ આરંભે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી પણ હવે સબ સલામત લાગતા વિદ્યાર્થીઓને શાળાએ મોકલતા થઈ ગયા છે. હજુ પણ શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. વર્ગખંડ સુધી વિદ્યાર્થીઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરે એટલે થર્મલ ગનથી ચેકિંગ કર્યા બાદ સેનિટાઈઝ કરીને વર્ગમાં પ્રવેશ અપાય છે. વાલીઓને અગાઉથી જ પોતાના બાળકને નાસ્તા અને પાણીની બોટલ સાથે મોકલવા જણાવવામાં આવ્યું તેનું પાલન પણ થાય છે, ેથી એકબીજાનાં પાણીનો ઉપયોગ તેઓ ના કરે.