કોરોનાનો ડર-રસ્તાઓ પર નહીવત જોવા મળતો ટ્રાફિક
(પ્રતિનિધિ) અમદાવાદ: ભારત સહિત વિશ્વના ૧૬ર દેશોમાં કોરોના વાયરસનો વ્યાપ વધી રહ્યો છે અમદાવાદમાં વાયરસનો ઝડપથી ફેલાવો ન થાય તે માટે રાજય સરકારે તથા મ્યુ. કોર્પોરેશને યુધ્ધના ધોરણે તાકીદના પગલા ભરવા શરૂ કર્યા છે અને લોકોને તકેદારીરૂપે મોટી સંખ્યામાં ભેગા ન થવા અપીલ કરી છે. કોરોના વાયરસના ભયને કારણે શહેરના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. મલ્ટી પ્લેક્ષ ખાલીખમ, મંદીરોમાં પણ દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યામાં ઘટાડો, સવારથી જ ધમધમતુ આ શહેર સુમસામ ભાસી રહ્યું છે.
મ્યુ. કોર્પોરેશને વાયરસ લોકોમાં ઝડપથી ન ફેલાય તે માટે મેયરે ૧પ દિવસ સુધી જાહેર કાર્યક્રમો પર બંધી લગાવી છે, તથા તેઓ પણ કોઈ કાર્યક્રમમાં હાજરી નહી આપે તેમ જણાવાયું છે. મયુ. કોર્પોરેશન હસ્તગત હોલો તથા પાર્ટી પ્લોટો ૧પ દિવસ સદંતર બંધ રહેવાની જાહેરાત થતાં તેમાં આયોજીત રર૧ કાર્યક્રમો પર અસર પહોંચી હોવાનું જાણવા મળે છે ખાસ કરીને લગ્ન પ્રસંગ માટે જેમણે અગાઉથી હોલ કે મ્યુ. પ્લોટ બુક કરાવ્યા છે, કંકોત્રી પણ છપાઈ ગઈ છે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે છેલ્લી ઘડીએ લગ્ન સમારંભ ક્યાં યોજવો ? તે પ્રશ્ન સતાવી રહ્યો છે.
સ્વામિનારાયણ મંદીરોમાં યોજાતી રવિ સભા તથા પાટોત્સવના કાર્યક્રમો રદ કર્યાની જાહેરાત કરી છે. મ્યુ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ ૧પ દિવસ સુધી મ્યુઝીયમ તથા પ્રાણી સંગ્રહાલય બંધ રાખવામાં આવનાર છે ગુજરાત હાઈકોર્ટે પણ મહત્વનો નિર્ણય લેતા ગુજરાત હાઈકોર્ટમાં માત્ર અરજન્ટ કેસો જ હાથ ધરાશે તથા રાજયની તમામ અદાલતો તેમનું કાર્ય બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રહેશે.
ગુજરાત સ્ટેટ ટ્રાન્સ્પોર્ટની દોડતી બસોને સેનેટાઈઝરથી સાફ કરી દોડાવાશે તથા ડ્રાઈવર- કન્ડકટરોને માસ્ક પહેરવા જણાવાયું છે પાટણમાં આવેલ રાણકી વાવ પણ જાહેર જનતા માટે ૧પ દિવસ માટે બંધ કરવામાં આવી છે સરકારી અર્ધ સરકારી ઓફીસોમાં કર્મચારીઓ માટે બાયોમેટ્રીકથી હાજરી પુરાતી હતી તેમાંથી પણ કર્મચારીઓને હાલ મુક્તિ આપવામાં આવી છે. તાજેતરમાં ઈંગ્લેન્ડ નોર્ટીગહામથી આવેલ એક શખ્સને શરદી, ઉધરસ જણાતા શંકાસ્પદ કેસ લાગતા રાજકોટમાં આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવેલ છે.
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના ડરથી લોકો બહાર નીકળતી વખતે માસ્ક પહેરીને જતા જાવા મળે છે તથા હસ્તધૂન કરતા જાવા મળે છે રાજયમાં શાળા-કોલેજા તથા ટ્યુશન વર્ગો બંધ રહેતા, તથા મોલ- મલ્ટીપ્લેક્ષ બંધ રહેતા રાજયમાં કોરોના વાયરસની માઠી અસર જાવા મળી રહી છે. કોરોનાની સાથે સાથે સ્વાઈન ફલુએ પણ માથુ ઉંચકવાનું શરૂ કર્યું છે.