કોરોનાનો સામનો કરવામાં યથાશક્તિ યોગદાન આપતું શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ
કોરોનાના દર્દીઓને છેલ્લા બે માસથી સતત ૨૪ કલાક ઓક્સિજનનું વિતરણઃ ૮ હજારથી વધુ દર્દીઓ લાભાન્વિત
સંત અને શુરાની ભૂમિ તરીકે ખ્યાતનામ સૌરાષ્ટ્રની ધરાની ઓળખ શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટે કપરા કોરોના કાળમાં પણ ઝાંખી પડવા દીધી નથી. છેલ્લા બે માસથી સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રભરના ૮ હજારથી વધુ દર્દીઓની ઓક્સિજનની જરૂરત સંતોષીને ટ્રસ્ટે કેટલાય પરિવારોને ખંડિત થતા બચાવ્યા છે. અને દર્દીનારાયણના આશીર્વાદ મેળવ્યા છે.
આ અંગેની વિગતો આપતાં ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન અને શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે કોરોનાના દર્દીઓને ૨૪X૭ ઓક્સિજન આપવાનું સેવાકીય કાર્ય કરવામાં આવી રહયું છે.
નાના મવા સર્કલ પાસેના મેદાનમાં સંસ્થાના ૪૦ કાર્યકરો દિવસ-રાત જોયા વગર ખડે પગે દર્દીઓના સગાંને દોઢ કિલો અને સાત કિલોના ઓક્સિજન સીલિન્ડર પુરા પાડે છે. આ માટે માત્ર ૧૦ હજાર રૂ. ડીપોઝિટ તરીકે લેવામાં આવે છે. ઓક્સિજન સીલિન્ડર લેવા માટે દર્દીનું આધાર કાર્ડ અને કોરોનાનો પોઝિટિવ રીપોર્ટ જ દસ્તાવેજ તરીકે જમા લેવામાં આવે છે.
હાલ સંસ્થાના ૮૦૦ સીલિન્ડર વપરાશમાં છે, અને બે જ દિવસમાં ટ્રસ્ટ નવા ૫૦૦ સીલિન્ડરની ખરીદી કરીવા જઇ રહયું છે, જેનાથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના કોરોનાના દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાત સંતોષી શકાશે.
જે દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટી ગયું હોય અને તાત્કાલિક ધોરણે ઓક્સિજનની જરૂર હોય તેમને પ્રથમ પ્રાથમિકતા આપીને ઓક્સિજન સીલિન્ડર આપવામાં આવે છે. આ માટે સંસ્થાના ૪૦ વાહનો રાત-દિવસ કામ કરી રહયા છે. મકવાણા મનસુખભાઇ અમરાભાઇ નામના દર્દીના સગા છેલ્લા ૨૦ દિવસથી અહીંના ઓક્સિજન પર જ તેમનો જીવનદિપ ટકાવી શકયા છે,
જયારે ભરાડીયા મંજુબેનના સગા આજે જ શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ખાતેથી ઓક્સિજનનો સીલિન્ડર લઇ ગયા છે. ૯૨ થી ઓછું ઓક્સિજન લેવલ ધરાવતા દર્દીઓ માટે ઓક્સિજન સીલિન્ડર નહીં લઇ જઇને અન્ય દર્દીઓની જરૂરિયાત માટે સીલિન્ડર ઉપલબ્ધ રાખવાની અને જરૂરિયાતના સમયે અડધી રાતે પણ ઓક્સિજન આપવાના ટ્રસ્ટના સધિયારા થકી જ ઘણા લોકો હસતા મોઢે સીલિન્ડર લીધા વગર પાછા ફરે છે. દિપકભાઇ કટકીયાના સગાને આવી જ રીતે ટ્રસ્ટ દ્વારા રાત્રે ૨.૩૦ વાગ્યે ઓક્સિજન સીલિન્ડર પૂરૂં પાડવામાં આવ્યું હતું.
કોરોનાને મારી હટાવવામાં સરકારની સાથે શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ જેવી બિન સરકારી સંસ્થાઓ ખભે-ખભો મિલાવીને યથાશક્તિ યોગદાન આપી રહી છે, ત્યારે સૌરાષ્ટ્રની ધીંગી ધરા આવા સપૂતોના યોગદાનથી વધુ ઉજળી બની છે, અને સૌરાષ્ટ્રની અન્યોને મદદ કરવાની પરંપરાના મુળિયા વધુ ઉંડા ગયા છે.