કોરોનામાંથી સાજા થયેલા દર્દીના મનમાં ડર રહી જાય છે
નવી દિલ્હી: કોરોના સંક્રમણમાંથી સાજા થયા બાદ પણ માણસને કેટલીક શારીરિક અને માનસિક તકલીફોનો અનુભવ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા કોવિડ-૧૯ દર્દીઓ ન્યુરોલોજીકલ ફેરફારો અનુભવી ચૂક્યા છે અને હતાશામાં ગરકાવ થઈ રહયા છે, ઉપરાંત દર્દીઓને વારંવાર ખરાબ સ્વપ્નો પણ આવી રહયા છે. સોશિયલ મીડિયા ફર્સ્ટ-પર્સન એકાઉન્ટસે દાવો કર્યો છે કે, ઘણા લોકો લાઈટથી ખૂબ જ સેન્સેટિવ છે, જેના કારણે શરીરનો દુખાવો અને માથાનો દુઃખાવો અનુભવે છે. ઘણા અભ્યાસો મુજબ, માનવ મગજ અને લોકોની સુખાકારી પર કોરોનાએ કાયમી છાપ છોડી છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસમાં રોચક તથ્યો સામે આવ્યા હતા. આ અભ્યાસમાં અમેરિકાના ૨.૩૦ લાખ દર્દીઓને શામેલ કરાયા હતા. અભ્યાસમાં કોરોનાથી રિકવર થયાના ૬ મહિનામાં દર ત્રણમાંથી એક દર્દીને માનસિક તકલીફ હોવાનું સામે આવ્યું હતું. એવામાં ભારત કોવિડ-૧૯ની સારવારમાં સામે માટે મૂળભૂત સ્વાસ્થ્ય સુવિધાઓ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે કોરોના બાદની સારવાર એ મોટી ચિંતાનો વિષય છે. કોરોનાના ભરડામાં વધુને વધુ લોકો સપડાઈ જતા ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પરિણામે કંપની ઈચ્છે છે
કે કોઈ કર્મચારીમાં રિકવરી દેખાય તો તરત જ તે કામે લાગી જાય. કુટુંબને ભરણપોષણ કરવા માટે આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલા હજારો લોકો પાસે કોવિડ-૧૯માંથી પસાર થયેલા જીવન-પરિવર્તનના અનુભવ માટે સમય અથવા જગ્યા પણ નથી. ઘણા લોકો માટે આઇસીયુમાં હોવાના આઘાત અથવા પ્રિયજનોને ગુમાવવાના દુઃખમાંથી બહાર પણ નથી નીકળી શક્યા. મુંબઇની ડો.એલ.એચ. હિરાનંદાની હોસ્પિટલના સામાજિક મનોચિકિત્સક ડો. હરીશ શેટ્ટીએ જણાવ્યું હતું કે, કોરોનામાંથી બચી ગયેલા દર્દીઓમાં ડિમેન્શિયા અને સ્ટ્રોક સામાન્ય છે. સંક્રમણ દરમિયાન જે દર્દીઓ ગંભીર પરિસ્થિતિમાં હતા,
તેઓ માનસિક સ્વાસ્થ્યને લઈને વધુ સંઘર્ષ કરે છે. મૃત્યુને નજીકથી જાેઈ લીધુ હોય અને રોગચાળાની અનિશ્ચિતતાના કારણે દર્દીઓને અસ્તિત્વ બાબતે મૂંઝવણ હોય અને વારંવાર તેમના જીવનનું મૂલ્યાંકન કરતા હોય એ સામાન્ય બાબત નથી. કોરોના દર્દીઓમાં અપરાધભાવ પણ જાેવા મળે છે. ખાસ કરીને તે લોકોમાં કે જેમણે કોવિડને કારણે તેમના માતાપિતા અથવા જીવનસાથી ગુમાવ્યા હોય. તેમના જીવનની અસર અંગે તેઓ સમજી શકતા નથી.
તેમને સપોર્ટ અને કાઉન્સિલિંગની જરૂર છે. શેટ્ટીએ વધુમાં જણાવ્યું કે, એવા દર્દીઓ કે જેમને હળવા લક્ષણો હતા અને ઘરે આઇસોલેટ થયા હતા, તેઓના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ હતી. સામાન્ય રીતે એક ચતુર્થાંશ દર્દીઓએ ઈમોશનલ ડિસ્ટર્બન્સ અનુભવ્યું હતું. તેમણે વધુમાં સમજાવ્યું કે, ઉંઘનો અભાવ અને સંપૂર્ણ અનિદ્રા સામાન્ય સંકેતો છે. જાેકે, દર્દીઓમાં ધબકારામાં વધ ઘટ, વિનાશની ભાવના, કોઈ પણ ક્ષણે મૃત થઈ જશે તેવો ભય પણ જાેવા મળ્યો છે.
હું એક એવી શિક્ષિકાને ઓળખું છું, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો છતાં તેણી હજી સુધી સંક્રમણથી સ્વસ્થ નથી થઇ તેમ સમજીને હોસ્પિટલમાં વધુ સમય રહેવાનો આગ્રહ કર્યો હતો. આ માત્ર એક ઉદાહરણ છે. મહામારી દરમિયાન ડરની લાગણી થાય છે. મુંબઈ સ્થિત મનોવૈજ્ઞાનિક પ્રિયંકા વર્માએ જણાવ્યું કે, ઘણા દર્દીઓ માટે આઈસીયુ તણાવ લાવવાનું સ્થળ બન્યું છે. મોનીટરના અવાજ, કોરિડોરમાં તબીબોની અવરજવરના અવાજ દર્દીઓ માટે તણાવ ઉભો કરે છે.
આ બીમારીના કારણે આસપાસમાંથી કોઈ દર્દીનું મોત થાય ત્યારે મામલો વધુ કથળે છે. તેમણે વધુમાં કહ્યું કે, આવા દર્દીઓ પરિવારના સભ્યો સાથે બહુ ઓછો સંપર્ક ધરાવે છે. એકલતાના કારણે તેમને મૃત્યુના વિચાર આવે છે. જીવનના અર્થ પર સવાલ ઉભા થાય છે. તેમણે કહ્યું કે, આવું થવાથી દર્દીમાં ચિંતા અને હતાશા ઉભી થાય છે. દિલાસો આપવા સ્પર્શ વધુ જરૂરી છે. પરંતુ કોવિડના દર્દીઓ પ્રિયજનોનું આલિંગન પણ મેળવી શકતા નથી. ઘણા લોકો માટે આવી સ્થિતિમાંથી પસાર થવું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. વર્માએ જણાવ્યું કે, આઇસોલેશનમાંથી પસાર થવું કેટલાક લોકો માટે ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે. કુટુંબ અને મિત્રોની પણ કાળજી રાખવી અને તેમની સહાય કરવી આવશ્યક છે.
તેઓ દરરોજ કોરોના પોઝિટિવ દર્દીઓનો સામનો કરે છે. તેઓને મદદની જરૂર પડી શકે છે, પરંતુ દર્દીના સ્વાસ્થ્ય અને સુખાકારીને તેઓ પોતાના કરતા વધુ પ્રાધાન્ય આપે છે, જેથી તેઓ તેઓ મદદ માંગતા નથી. વર્માએ કહ્યું કે, કોરોના સંક્રમણ બાદ બચી ગયેલા લોકોએ ડરમાં ગરક થઈ જવાને બદલે થોડું આત્મનિરીક્ષણ કરવું જરૂરી છે. મહામારી જેવી મુશ્કેલી બાદ જાે તેઓ તેમના જીવનનો હેતુ શોધવા માટે ધ્યાન કેન્દ્રિત કરી શકે તો તેમને નવી દિશા મળી જશે.
તેમણે કહ્યું કે, મને લાગે છે કે આ સમય દરમિયાન જર્નલ તમારા વિચારોને સમજવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જર્નલિંગ એક પ્રકારની સેલ્ફ થેરાપી છે. જેનાથી તમારા વિચારો તર્કસંગત બને છે. તેનાથી તમે સમજી શકશો કે વાસ્તવિકતા શું છે. કપરી સ્થિતિમાં સામનો કરવા માટે જર્નલિંગ ખૂબ ઉપયોગી તકનીક છે. જાેકે, તમને પ્રોફેશનલ સહાયની જરૂર છે તેવું તમને, પરિવાર અથવા મિત્રને લાગે તો તમારે પ્રોફેશનલની મદદ લેવી જાેઈએ.