કોરોનામાં જૂન સુધીમાં માંડ ૧.૬૬ લાખ પાસપોર્ટ ઈશ્યુ
૨૪ જૂનેઊજવાઈ ગયો પાસપોર્ટ સેવા દિવસ-દર વર્ષે પાંચ લાખથી વધુ પાસપોર્ટ ઈસ્યુ થતા હોય છે પરંતુ લોકડાઉનમાં કામગીરી બંધ રહેતા લોકોને હાલાકી
અમદાવાદ, હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ દર વર્ષે મોટી સંખ્યામાં પાસપોર્ટ કઢાવતા હોય છે. તેમાં વળી છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી વિદ્યાર્થીઓનો વિદેશ ભણવા જવાનો ક્રેઝ ખાસ્સો વધી ગયો છે. જેને કારણે પણ પાસપોર્ટ માટેની એપ્લિકેશનમાં વધારો થયો છે. ગુજરાતમાં દર વર્ષે લગભગ સાત લાખ પાસપોર્ટ ઇશ્યુ કરવામાં આવે છે.
જોકે ચાલુ વર્ષે કોરોનાની મહામારી ને કારણે પાસપોર્ટ ઓફીસ નું કામ લગભગ ત્રણ મહિના સુધી બંધ રહેતા જૂન મહિના સુધી માત્ર ૧.૬૬ લાખ પાસપોર્ટ જ ઇસ્યૂ થયા છે. ૨૪મી જૂને દેશભરમાં પાસપોર્ટ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો અને ખુદ વિદેશ મંત્રીએ પણ પાસપોર્ટની પ્રક્રિયા હજુ વધુ સરળ બનાવવા ની વાતો કરી હતી.
જોકે હજુ પણ અમદાવાદના પાસપોર્ટ સહાયતા કેન્દ્રો પર એક જ પરિવારના ચાર સભ્યોને એક જ સમયે અપોઈન્ટમેન્ટ આપવાના બદલે જુદા જુદા સમયે એપાર્ટમેન્ટ આપીને પરેશાન કરવામાં આવે છે. ૨૪મી જૂને ૧૯૬૭ ના રોજ પાસપોર્ટ એક્ટ અમલમાં આવ્યો હોવાથી દેશમાં ૨૪મી જૂને પાસપોર્ટ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાસપોર્ટ ઓફિસ ખાતે જાણવા મળતી માહિતી મુજબ પાસપોર્ટ સેવા દિનની ઉજવણી પ્રસંગે મંત્રીએ પાસપોર્ટની પ્રક્રિયા વધુ સરળ બનાવવાની ખાતરી આપી હતી.
ગુજરાતમાં પાસપોર્ટ માટેની એપ્લીકેશનનો સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વર્ષ ૨૦૧૮ માં ગુજરાત પાસપોર્ટ ઓફિસ દ્વારા કુલ ૭,૧૨,૭૭૨ પાસપોર્ટ ઇસ્યૂ કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૧૯ માં ૬,૯૭,૧૦૪ પાસપોર્ટ ઇસ્યુ કરાયા હતા. વર્ષ ૨૦૨૦માં જૂન મહિના સુધીમાં ૧,૬૬,૪૩૪ પાસપોર્ટ ઇશ્યુ કરવામાં આવ્યા છે. કોરોનાની મહામારીને કારણે ત્રણ મહિના સુધી પાસપોર્ટ ઓફિસ બંધ રહા હતી તથા હજુ પણ લોકો પાસપોર્ટ માટેની એપ્લિકેશન કરવાનું ટાળી રહ્યા છે. પાસપોર્ટ ઓફિસ ખાતે જાણીતા નાગરિકોને તો પ્રવેશ આપતો હોય તેવી રીતનું વર્તન કરવામાં આવી રહ્યું છે.