કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાયતા ચૂકવાઈ
સરકારની અનેક યોજનાઓ હેઠળ બાળકોને આવરી લેવાયા, દર મહિને સ્ટાઈપેન્ડ તથા ૨૩ વર્ષની ઉમરે રૂ.૧૦ લાખ મળશે
સુરત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પી.એમ.કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ કોરોના કાળમાં માતા-પિતા ગુમાવ્યા હોય. તેવા દેશભરના બાળકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધી સહાય એનાયત કરી હતી. આ અનાથ બાળકો ૨૩ વર્ષ પૂર્ણ થયા બાદ રૂા.૧૦ લાખની સહાય મળશે. કેન્દ્રીય રાજ્ય કક્ષાના ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશના હસ્તે બાળકોને સ્કુલ બેગ તથા સહાયના સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.
પ્રધાનમંત્રીએ દેશભરના બાળકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધતા જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં જે બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેઓની સાથે સમગ્ર દેશ ઉભો છે. સરકારની અનેક યોજનાઓ હેઠળ બાળકોને આવરી લેવામાં આવ્યા છે. બાળકોના આરોગ્ય, શિક્ષણ તથા અભ્યાસની જવાબદારી સરકાર વહન કરશે. વડાપ્રધાને બાળકોને સારા પુસ્તકોને મિત્ર બનાવવા માટેનો અનુરોધ કર્યો હતો.
ફિટ ઈન્ડિયા, ખેલો ઈન્ડિયા તથા યોગ જેવા અનેક અભિયાનોમાં જાેડાયને જીવનમાં એક સંકલ્પ લઇને તેને સિધ્ધ કરવા માટેનો અનુરોધ કર્યો હતો.પી.એમ.કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ સુરત જિલ્લામાં ૨૨ બાળકોને આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ બાળકોની ૧૮ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી કેન્દ્ર સરકારની સ્પોન્સરશીપ યોજના અંતર્ગત સહાય ચુકવામાં આવી છે.
અનાથ થયેલા બાળકોને એક્સ ગ્રેટીયા સહાય અંતર્ગત રૂ.૫૦૦૦૦ ચુકવવામાં આવ્યા છે. પી.અમે.કેર્સના બાળકોને પ્રી-પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવ્યો છે. બાળકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ રૂ.૫ લાખના હેલ્થ વીમાનું સુરક્ષા કવર પુરૂ પાડવામાં આવ્યું છે.મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ અનાથ બાળકોને મહિને રૂ.૪૦૦૦ લેખે વાર્ષિક રૂ.૪૮૦૦૦ની સહાય બેંક ખાતામાં ચૂકવવામાં આવી રહી છે.
૧૮ વર્ષથી ઓછી વયના બાળકોને કેન્દ્રીય વિદ્યાલય અથવા આર.ટી.ઈ. અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે. યુનિફોર્મ, બુકનો ખર્ચ પણ પીએમ કેરમાં ચુકવાશે. ઉચ્ચ શિક્ષણ માટે લોન સહાય પણ પીએમ કેર હેઠળ આપવામાં આવશે. ૧૮થી ૨૩ વર્ષની ઉંમર સુધી આવા બાળકોને દર મહિને સ્ટાઈપેન્ડ તથા ૨૩ વર્ષની ઉમરે રૂ.૧૦ લાખ મળશે.SS3KP