કોરોનામુક્ત થયેલા ૯૦ વર્ષીય શકુંતલાબેને કહ્યું, ‘ સગા પણ ન રાખી શકે તેવી સારસંભાળ’ કિડની હોસ્પિટલના તબીબો, સ્ટાફમિત્રોએ રાખી
૯૦ વર્ષીય વૃદ્ધા શકુંતલાબેને કોરોના સામેનો જંગ જીત્યો
કોરોનાની મહામારીએ વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે, ત્યારે રાજ્યમાં કોરોનાના વૃદ્ધ દર્દીઓ પણ કોરોનાને હરાવી રહ્યા છે. કોરોના વાઈરસ મોટી ઉંમરના વૃદ્ધ દર્દીઓ માટે વધુ જટિલ અને જોખમી ગણાય છે, કોરોના વૃદ્ધ દર્દીઓને સૌથી વધુ અસર કરે છે, ત્યારે અમદાવાદના મેધાણીનગર વિસ્તારમાં રહેતા ૯૦ વર્ષીય વૃદ્ધા શકુંતલાબેને કોરોના સામેનો જંગ જીતી સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં અઠવાડિયાની સઘન સારવાર બાદ સાજાસારા થઈને ઘરે પરત ફર્યા છે. કોરોનાની સારવાર બાદ આજે તેઓ સ્વસ્થ જણાઈ આવતાં સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.
શકુંતલાબેને કોરોનામુક્ત થયાં બાદ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, હોસ્પિટલના તબીબો અને મેડિકલ સ્ટાફની કુશળતાથી મારો નવો જન્મ થયો છે. સિવિલ હોસ્પિટલ દ્વારા મારી ઉત્તમ સારવાર કરવામાં આવી છે. ઉપરાંત, સવાર, બપોર અને સાંજે પૌષ્ટિક ભોજન અને નાસ્તો, ગરમાગરમ ચા અને દૂધ આપવામાં આવતું હતું. કોરોના વાઈરસનું સાંભળતા લોકો ડરી રહ્યા છે. મને પણ કોરોના પોઝિટિવ શરૂઆતમાં ખુબ ડર લાગ્યો હતો. પરંતુ, હિંમત રાખી મેં સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. હોસ્પિટલમાં પોતાના પરિવાર , સગાસંબધી પણ ન રાખી શકે તેવી તબીબો અને સ્ટાફ દ્વારા મળેલી સારવાર અને હુંફથી હું સ્વસ્થ થઇ ગઇ છું. તેમણે ગર્વભેર કહ્યું કે, સિવિલ હોસ્પિટલના તબીબોના કારણે મને નવો જન્મ મળ્યો છે. કોરોના વાઈરસથી ગભરાવવાની જરૂર નથી. યોગ્ય તબીબી સારવાર અને હિંમત રાખવાથી કોરોના વાઇરસ સામેનો જંગ જીતી શકાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
કોરોના વાઈરસ સામે અઠવાડિયા સુધી ઝઝુમનાર વૃદ્ધા કોરોના વાઈરસ સામેનો જંગ જીતી જતાં હોસ્પિટલના સ્ટાફે ભાવભરી વિદાય આપી હતી.