કોરોનાવાયરસ અંગે જાગૃતિ ફેલાવવાની ટાટા ઈન્સ્ટિટ્યુટ ઑફ ફન્ડમેન્ટલ રિસર્ચની પહેલ
આ વિચાર પાછળ માહિતીના પ્રસારનો અને તે અંગે ચાલતી વિવિધ માન્યતાઓનું ખંડન કરવાનો ઉદ્દેશ છે-સરળતાથી સમજી શકાય તેવા સ્વરૂપે પ્રાદેશિક ભાષાઓમાં માહિતી પૂરી પાડવામાં આવશે કે જેથી વ્યાપક સમુદાય સુધી તેને પહોંચાડી શકાય
નવી દિલ્હી, ચીનના વુહાન શહેરમાં ફાટી નીકળેલો આ રોગે હવે સમગ્ર વિશ્નો ભરડો લીધો છે. છેલ્લા આંકડા મુજબ તે 204 દેશમાં પ્રસરી ચૂક્યો છે. આ મહામારીની સાથે-સાથે લોકોમાં કેટલીક માન્યતાઓ, વહેમ અને ભય પણ પ્રસરતો રહેતો હોય છે. આઈસોલેશન, કવૉરન્ટાઈન, અને લોકડાઉન જેવાં ભિન્ન પ્રકારનાં પગલાં અંગે લોકોને સમજ કેવી રીતે પૂરી પાડવી તે એક મહત્વનો પડકાર છે. આપણે સામાજિક અંતર શા માટે જાળવવુ જોઈએ?
આવી બધી ખોટી માન્યતાઓ અંગે લોકોમાં પ્રવર્તતો ભ્રમ દૂર કરીને આ રોગચાળા અંગે તથા આરોગ્ય જાળવવા માટે લેવા જેવાં પગલાં બાબતે પાયાની વૈજ્ઞાનિક સમજ ઉભી કરવાની તાતી જરૂર છે. ટાટા ઈન્સ્ટિટ્યુટ ઑફ ફન્ડમેન્ટલ રિસર્ચ (ટીઆઈએફઆર) આ અંગે પ્રકાશ ફેંકતી તથા રસપ્રદ માહિતી અને જાણકારી પૂરી પાડવા માટેની સંદર્ભ સામગ્રી લઈને આવ્યું છે. સંશોધકોએ વિવિધ સ્રોતો (યુટ્યુબ વીડીયો) માટે એકથી વધુ ભાષામાં માહિતી પૂરી પાડતો સંપુટ તૈયાર કર્યો છે અને તેમાં સમજાવાયું છે કે શા માટે કોરોનાવાયરસ જેવા રોગચાળાને પ્રસાર રોકવા માટે સામાજિક અંતર સહાયક બની રહે છે. માહિતીના આ સ્રોતો વોશિંગ્ટન પોસ્ટમાં હેરી સ્ટિવન્સે પ્રસિદ્ધ કરેલી મૂળ માહિતી પર આધારિત છે.
ટાટા ઈન્સ્ટિટ્યુટ ઑફ ફન્ડમેન્ટલ રિસર્ચના વૈજ્ઞાનિક પ્રૉ. અર્ણબ ભટ્ટાચાર્ય જણાવે છે કે “અંગ્રેજી, હિન્દી, બંગાળી, કોંકણી, મરાઠી, મલયાલમ, ઉડીયા અને તેલુગુ ભાષામાં અમારા પ્રાધ્યાપકો, પરિવારો અને વિદ્યાર્થીઓ મારફતે અમે નવ ભાષામાં આ રજૂઆત કરી છે, ટૂંક સમયમાં આ સંદર્ભ સાહિત્ય ગુજરાતી, પંજાબી, હરિયાણવી અને આસામી ભાષામાં પણ રજૂ કરવામાં આવશે.“
આ વિચારનો ઉદ્દેશ માહિતી પ્રસરાણમાં મદદરૂપ થવાનો તથા કેટલીક ખોટી માન્યતાઓનું ખંડન કરવાનો છે. આ માહિતી સમજવામાં સરળ થઈ પડે તેવા સ્વરૂપે અને પ્રાદેશિક ભાષામાં રજૂ કરવામાં આવી છે, જેથી તે સમાજના વ્યાપક વર્ગ સુધી પહોંચી શકાશે તેમ પ્રો. અર્ણબ ભટ્ટાચાર્ય વધુમાં જણાવે છે કે “આ રોગનો ઉદ્ભવ વિદેશમાં થયો છે, પરંતુ આપણે સ્થાનિક જરૂરિયાત મુજબ આપણા લોકોને પ્રાદેશિક ભાષામાં સમજાવવાની જરૂર છે એટલા માટે આ સામગ્રી મહત્વની બની રહે છે. અમને આશા છે કે આ સામગ્રીનો ઉપયોગ લોકોમાં જાણકારી ફેલાવવા માટે અસરકારક પૂરવાર થઈ શકશે.”
આ ટીમનુ હવે પછીનુ કદમ કેટલીક ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી વડે માસ્ક બનાવવાનુ છે. આ માટે ટૂંક સમયમાં પોસ્ટર્સ અને વીડિયોઝ બહાર પાડવામાં આવશે. ટાટા ઈન્સ્ટિટ્યુટ ઑફ ફન્ડમેન્ટલ રિસર્ચનો લોકો સુધી પહોંચવાની આ પહેલને “ચાય અને વ્હાય ?” નામ આપવામાં આવ્યું છે. આ એક એવો મંચ છે કે જેમાં વૈજ્ઞાનિકો સોશિયલ મિડીયા મારફતે લોકો સાથે પરામર્શ કરીને ખોટી માન્યતાઓનું ખંડન છે અને વાયરસ પાછળનુ વિજ્ઞાન સમજાવે છે.