કોરોનાવાયરસ સામેની લડાઇમાં IAF ની ઉતકૃષ્ઠ કામગીરી
નવી દિલ્હી, નોવલ કોરોનાવાયરસના ફેલાવાને નિયંત્રણમાં રાખવા અને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે રાષ્ટ્રના પ્રયાસોમાં ભારતીય વાયુ સેના (IAF) દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.
IAF દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં દિલ્હી, સુરત, ચંદીગઢથી મણીપુર, નાગાલેન્ડ અને જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવશ્યક તબીબી પૂરવઠાનો 25 ટનનો જથ્થો એરલિફ્ટ કરવામાં આવ્યો છે. આ તબીબી પૂરવઠામાં વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણ, હેન્ડ સેનિટાઇઝર, સર્જિકલ હાથમોજાં, થર્મલ સ્કેનર અને તબીબી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખથી દિલ્હીમાં કોવિડ પરીક્ષણ સેમ્પલો પણ નિયમિત એરલિફ્ટ કરવામાં આવે છે. આ કામગીરી માટે IAFના C-17, C-130, An-32. AVRO અને ડોર્નિઅર એરક્રાફ્ટને જરૂરિયાત અનુસાર કામ સોંપવામાં આવે છે અને IAF કટોકટીની સ્થિતિમાં તમામ માંગને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે.
વધુમાં, સમગ્ર દેશમાં વિવિધ IAF બેઝ ખાતે ઉભી કરવામાં આવેલી ક્વૉરન્ટાઇન સુવિધાઓ સતત તૈયાર રાખવામાં આવે છે. ઇરાન અને મલેશિયામાંથી પરત લાવવામાં આવેલા ભારતીયો નાગરિકોની અનુક્રમે હિંદાન અને તમ્બારામ ખાતે આવેલા એર બેઝમાં તબીબી સંભાળ લેવામાં આવે છે. બેંગલુરુમાં આવેલી કમાન્ડ હોસ્પિટલ એરફોર્સ કોવિડ-19 પરીક્ષણ લેબોરેટરી હાલમાં પરીક્ષણની કામગીરી માટે કાર્યરત છે.
દરમિયાન, IAFના તમામ બેઝ પર આ બીમારીના ફેલાવાને નિયંત્રણમાં લેવા માટે વ્યાપક પગલાં લેવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે જેથી IAF અસ્કયામતો અને એર બેઝ કોરોનાવાયરસ મહામારી સામે રાષ્ટ્રના પ્રયાસોમાં તમામ પ્રકારે સહકાર આપવા તૈયાર હોવાનું સુનિશ્ચિત થઇ શકે. IAF સ્ટેશનો દ્વારા તેમની આસપાસમાં તમામ રહેણાંસ સોસાયટીઓમાં આર્થિક રીતે નબળા વર્ગને ભોજન અને અન્ય પ્રકારે સહકાર આપવાની કામગીરી પણ ચાલુ જ છે.