કોરોના અઠવાડિયામાં આખા જૈન પરિવારને ભરખી ગયો
ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાંથી ખૂબ જ દુઃખદ ખબર સામે આવી છે. અહીં કાળમુખો કોરોના એક આખા પરિવારને ભરખી ગયો છે. એક જ અઠવાડિયામાં કોરોના આખા પરિવારને ભરખી ગયો છે. પહેલા દાદા, પછી પિતા, પછી માતા અને હવે પરિવારની અંતિમ દીકરીએ કોરોનાથી દમ તોડી દીધો છે. આ સમાચાર સાંભળીને સગા-સંબંધીઓ જ નહીં પરંતુ આખું શહેર ગમગીન છે. મધ્ય પ્રદેશમાં છેલ્લા બે દિવસમાં આવો બીજાે બનાવ સામે આવ્યો છે, જ્યાં કોરોનાએ આખા પરિવારનો ભોગ લીધો હોય. કોરોના આદર્શ વિક્રમનગરમાં રહેતા જૈન પરિવાર ઉપર કાળ બનીને ત્રાટક્યો હતો. ઘરના સભ્ય સંતોષ કુમાર જૈન, તેમના પત્ની મંજુલા અને તેમની ૨૬ વર્ષની દીકરીએ એક જ અઠવાડિયામાં કોરોનાથી દમ તોડી દીધો છે.
હવે ઘરની દેખરેખ રાખનારું કોઈ નથી રહ્યું. જે બાદમાં સગા-સંબંધીઓએ નેધરલેન્ડમાં રહેતી તેમની એક દીકરીને સમાચાર આપી દીધા છે અને ઘરની દેખરેખ રાખવા માટે સુરક્ષા ગાર્ડ બેસાડ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ત્રીજી એપ્રિલના રોજ સંતોષ કુમાર જૈનના પિતાનું દેવાસમાં નિધન થયું હતું. જેના આઠ દિવસ પછી તેમની પત્ની મંજુલા જૈનને તાવ આવ્યો હતો. ટેસ્ટ કરાવતા પત્ની કોરોના સંક્રમિત આવી હતી. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા હતા. ૧૦મી એપ્રિલના રોજ મંજુલાનું નિધન થયું હતું.
પત્નીને અંતિમ સંસ્કાર પતાવ્યા બાદ સંતોષ કુમારની તબિયત લથડી હતી. જે બાદમાં દીકરી આયુષીનો ટેસ્ટ કરાવતા તે પણ કોરોના સંક્રમિત આવી હતી. જે બાદમાં તેણીને સારવાર માટે દેવાસ ખાતે દાખલ કરવામાં આવી હતી. સંતોષ જૈનને ઉજ્જૈનમાં જ એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ૧૬ એપ્રિલના રોજ સંતોષ કુમારનું નિધન થયું હતું. ૧૯ એપ્રિલના રોજ આયુષીએ પણ દમ તોડી દીધો છે.
ત્રણેયના અંતિમ સંસ્કાર કોરોના પ્રૉટોકોલ પ્રમાણે થયા હતા. સંતોષ કુમાર વીજળી કંપનીમાંથી થોડા સમય પહેલા નિવૃત્ત થયા છે. તેમના પત્ની મંજુલા હરિફાટક વિસ્તારમાં આવેલી સ્કૂલમાં શિક્ષિકા હતા. સગા-સંબંધીઓના કહેવા પ્રમાણે જૈન દંપતીને બે દીકરી છે. એકનું કોરોનાથી નિધન થયું છે જ્યારે એક દીકરી નેધરલેન્ડ છે, જેના લગ્ન થઈ ગયા છે. સગા-સંબંધીઓએ નેધરલેન્ડ ખાતે રહેતી દીકરીને માતા-પિતા, બહેન અને દાદાના નિધનના સમાચાર આપી દીધા છે. મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના બીજા એક બનાવમાં એક દિવસ પહેલા એક આખો હસતો રમતો પરિવાર એક જ અઠવાડિયામાં કોરોનાને કારણે ખતમ થઈ ગયો છે.
સાસુ, જેઠ અને પતિના કોરોનાને કારણે નિધન થયા બાદ પૂત્રવધૂએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. હૃદયને હચમચાવી દેતો આ બનાવ દેવાસ અગ્રવાલ સમાજના અધ્યક્ષ બાલકિસન ગર્ગના ઘરે બન્યો છે. સૌથી પહેલા તેમના પત્ની ચંદ્રકલા (ઉં.વ. ૭૫)ને કોરોના થયો હતો. ૧૪મી એપ્રિલના રોજ તેમનું નિધન થયું હતું. તેના બે દિવસ પછી તેના પુત્ર સંજય (ઉં.વ. ૫૧) અને સ્વપ્નેશ (ઉં.વ. ૪૮)નું નિધન થયું હતું. આ બનાવનો આઘાત તેની નાની પુત્રવધૂ સહન કરી શકી ન હતી. રેખા (ઉં.વ. ૪૫)એ બુધવારે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. એટલે કે ફક્ત એક જ અઠવાડિયામાં આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. પરિવારમાં હવે બાલકિસન ગર્ગ, તેમની મોટી પુત્રવધૂ અને પૌત્ર-પોત્રીઓ વધ્યા છે.