કોરોના અને અકસ્માત સામે સાવચેતી રાખીને પતંગ થકી આકાશને આંબીએ
ખુલ્લા – દીવાલ વગરના ધાબા તથા છાપરા પરથી પતંગ ચગાવવાનું ટાળવું જોઈએ.
આખી બાયના કપડાં, આખા પેન્ટ, બંધ શૂઝ, સ્કાર્ફ, મફલર, ટોપી તથા ચશ્માંનો ઉપયોગ કરવાથી પતંગની દોરીથી થતી ઇજાને ટાળી શકાય છે.
ઊંડા તથા મોટો ઘા થયો અને વધુ માત્રામાં લોહી વહી રહ્યું હોય તો ઘાને સ્વચ્છ કપડાથી દબાવીને રાખવો જોઈએ-ઘા ઉપર હળદળ, માટી કે બીજા કોઈ લેપ લગાવવાનું ટાળવું જોઈએ
આનંદની છોળો વચ્ચે મનાવતા મકરસંક્રાંતિ પર્વ આ વખતે પણ કોરોના વાયરસના સંક્રમણના ભય વચ્ચે ઉજવવું પડે એમ છે. ટોળાઓ ભેગા કરીને પતંગ આકાશમાં ઉડાડવાની મજામાં કોઇને સંક્રમણનું દુઃખના આવી જાય એની તકેદારી રાખીને પર્વની મજા માણવાની છે.
રાજ્ય સરકાર દ્વારા આ બાબતે વિસ્તૃત માર્ગદર્શિકા અધિસૂચિત કરાઇ છે. તેના પાલન સાથે અકસ્માત ના થાય એ રીતે આકાશને પતંગ થકી આંબવાનો આનંદ લેવાનો છે. આ માટે શું તકેદારી રાખી શકાય એ પણ જાણવું જરૂરી છે.
ઉત્તરાયણમાં ધાબા પર જઈને પતંગ ઉડાડવાની તથા પતંગ પકડવાની મજા અલગ જ હોય છે. પરંતુ આ મજા માણતા ઘણીવાર અકસ્માત તથા ઈજાઓ સર્જાતી હોય છે. જેમાં ઘણી ઈજાઓ કે અકસ્માત જીવલેણ બની જાય છે. અને તહેવારની મજામાં ભંગ પડી જાય છે. આવી અગમ્ય ઘટનાઓને આપણે થોડી સાવચેતી લેવાથી ટાળી શકીએ છીએ.
પતંગની દોરીથી થતી ઈજાઓને અટકાવવા માટે પતંગ ચગાવતી વખતે હાથની આંગળીઓને પટ્ટીઓ લગાવવી અથવા હાથ મોજાંનો ઉપયોગ કરવો હિતાવહ રહે છે. તે ઉપરાંત, આખી બાયના કપડાં, આખા પેન્ટ, બંધ શૂઝ, સ્કાર્ફ, મફલર, ટોપી તથા ચશ્માંનો ઉપયોગ કરવાથી પતંગની દોરીથી થતી ઇજાને ટાળી શકાય છે. સારવાર કરતાં સાવધાની રાખવી હંમેશા લાભદાયક હોય છે.
ઉતરાયણ તહેવારમાં પતંગ ચગાવતા દોરીથી ઈજાઓ થતી હોય છે. દોરીથી નાના કાપથી લઈને મોટા – ઊંડા ઘા સુધીની ઈજા થઈ શકે છે. આવી ઈજાઓ ચાઈનીઝ દોરીઓથી વધારે થવાની શક્યતાઓ રહે છે. તેથી ચાઈનીઝ દોરીને વપરાશ ના કરવો જોઈએ. પતંગની દોરી રંગવામાં કલર, કાચ તથા કેમિકલનો વપરાશ થતો હોય છે જે માનવ શરીર માટે હાનિકારક થઈ શકે છે.
જો દોરીથી નાના સરખો કાપો થયો હોય તો તે ઘાને સ્વચ્છ અને વહેતા પાણીથી સાફ કરીને સ્ટરાઈલ ડ્રેસિંગ કરવું જોઈએ. જો ઘા / કટ ઊંડો તથા મોટો હોય તો ચામડી, માંસપેશીઓ, ટેન્ડન તથા રક્તવાહિનીઓને ઈજા થઈ શકે છે. આવી ઇજાઓમાં મોટા પ્રમાણમાં લોહી વહી શકે છે તથા ઊંડા ઘાથી માંસપેશીઓ, નસ કે ટેન્ડનમાં કાપો પડ્યો હોય તો તે અંગનું કાર્ય બંધ પડી શકે છે.
ઊંડા તથા મોટો ઘા થયો અને વધુ માત્રામાં લોહી વહી રહ્યું હોય તો ઘાને સ્વચ્છ કપડાથી દબાવીને રાખવો જોઈએ અને પૂરતા પ્રમાણમાં દબાણ આપવું જોઈએ. જેનાથી લોહી વહેતુ બંધ થઈ શકે છે. આવા ઘા ઉપર હળદળ, માટી કે બીજા કોઈ લેપ લગાવવાનું ટાળવું જોઈએ. આ પ્રકારની મોટી ઈજામાં તુરંત હોસ્પિટલમાં જવું હિતાવહ છે. કારણ કે આ પ્રકારની ઈજામાં ટાંકા લેવાની જરુર પડી શકે છે. અથવા સર્જરીની જરૂર પડી શકે છે.
ઉત્તરાયણમાં પતંગ ચડાવતા કે પતંગ પકડવા જતાં ધાબા પરથી અથવા, છાપરા પરથી પડી જવું, વાહન ચલાવતા દોરી ઘસાઈ જવી અને કાપા પાડવા તથા એક્સિડન્ટ થવો તથા પતંગ ચડાવતા કે ધાબામાં દોડતા હાથ, પગ કે ગાળામાં દોરી આવી જવાથી કાપા પડી જવાથી ઈજાઓ થતી હોય છે.
ધાબા કે છાપરા પરથી ઊંચાઈએથી પડી જતાં ગંભીર તથા જીવલેણ ઈજાઓ થતી હોય છે. આવી ઊંચી જગ્યાએથી પડી જતાં માથામાં ઇજા થઈ શકે છે. અને બ્રેઈન હેમરેજ થવાની શક્યતાઓ રહે છે. ઊંચાઈ પરથી પડી જતાં કરોડરજ્જુમાં ઇજા થવાની શક્યતા રહે છે.
જેનાથી માણસને પેરાલિસિસ થઈ શકે છે. અને ઘણીવાર આવી માથા તથા કરોડરજ્જુની ઇજાથી માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. આવી ઘટનાઓમાં માણસને હાડકાના ફેક્ચર પણ થવાની શક્યતા રહે છે. જો કોઈ આવી અણગમ્ય ઘટના બને તો તેવા દર્દીને તુરંત સીધા સુવાડીને ગરદનના ભાગને સહારો આપીને અને ગરદન હલે નહિ તે રીતે તુરંત હોસ્પિટલમાં લઈ જવા જોઈએ. ઘણી વખત આવી ઈજાઓ બહારથી દેખાતી નથી હોતી અને દર્દીને અયોગ્ય રીતે ખસેડવામાં આવે તો પણ આ પ્રકારની ઈજાઓ વધી જાય છે.
આવી ઈજાઓમાં દર્દીને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવા જોઈએ અને ડૉક્ટર પાસે યોગ્ય તપાસ કરાવવી જોઈએ જેથી દર્દીને યોગ્ય સમયે તાત્કાલિક પણે યોગ્ય અને પૂરતી સારવાર મળી શકે. આવા દર્દીને બિનજરૂરી હલનચલન કરાવવું નહિ. જો દર્દીને પડવાથી ફેક્ચર થયું હોય છે
અથવા બહારથી કોઈ અંગનો આકાર બદલાયેલો જણાતો હોય તો તે ફેક્ચર પાર્ટ અથવા અંગને કોઈ સોલિડ વસ્તુથી બહારથી સહારો આપી લઘુત્તમ હલનચલન સાથે હોસ્પિટલ ખસેડવા જોઈએ વાગેલા ભાગમાંથી લોહી વહેતુ હોય તો તેને સ્વચ્છ કપડાથી દબાવી રાખવું જોઈએ આમ કરવાથી દર્દીને વધુ નુકશાન કે ઇજા થવાથી અટકાવી શકાય છે અને તેને મદદરૂપ થઈ શકાય છે.
આ પ્રકારના અકસ્માત અને ઇજાને અટકાવવા આપણે ખુલ્લા – દીવાલ વગરના ધાબા તથા છાપરા પરથી પતંગ ચગાવવાનું ટાળવું જોઈએ. ધાબામાં પ્રવેશદ્વાર પર યોગ્ય દરવાજા અથવા જાળી રાખવી જોઈએ. નાના બાળકોને ધાબા પર લઈ જવાનું ટાળવું હિતાવહ છે. અને જો બાળકોને ધાબા પર લઈ ગયા હોય તો તેમને એકલા ના મુકવા. આ પ્રમાણે તકેદારી રાખવાથી આપણે અકસ્માત તથા ઇજાને અટકાવી શકીએ છીએ. પતંગની સામે આપણી જીંદગી ઘણી અમૂલ્ય છે.
ઉત્તરાયણમાં રોડ ઉપર ટુ વહીલર પર જતાં પતંગની દોરી વચ્ચે આવતા ગળા ઉપર, મુખ ઉપર, આંખ ઉપર, કાન ઉપર, તથા બીજા અંગો ઉપર મોટી ઈજાઓ થવાની સંભાવના રહેતી હોય છે. આવી કોઈ ઈજા થતા માણસ ટુ વહીલર પરથી પડી જાય અને બીજી ઈજાઓ થાય અથવા કોઈ બીજા સાથે એક્સિડન્ટ થવાની સંભાવના રહેલ હોય છે.
ટુ વહીલર પર વધુ સ્પીડમાં જતાં હોય તો આવી ઈજાઓ ગંભીર રૂપમાં થતી હોય છે અને આ ઇજાઓથી બચવા માટે હેલ્મેટ પહેરવી આવશ્યક હોય છે. તથા ઊંચા કોલરના કપડાં કે ગળામાં સ્કાર્ફ કે મફલર પહેરવાથી પણ આ પ્રકારના અકસ્માત ટાળી શકાય છે.
ઉત્તરાયણમાં ઓવરબ્રિજ ઉપરથી જવાનું ટાળવું પણ હિતાવહ રહે છે. તથા ટુ વહીલર પર આગળ લગાવવા માટે માર્કેટમાં મળતાં ધાતુના સ્પેશિયલ સળિયા પણ આ ઇજાઓથી બચવા માટે લાભદાયક રહે છે.
આમ ઉત્તરાયણમાં સાદા અને સરળ સાવચેતીના પગલાં લેવાથી તથા ઈજા કે અકસ્માત થયા બાદ પરિસ્થિતિની ગંભીરતા વિષે સજાગતા રાખવાથી સલામત રહી શકીએ છીએ.
પતંગ – દોરીની સાથે આપણે આપણી તથા આપણા સ્વજનોની અમૂલ્ય જીંદગીની કાળજી રાખવી જરૂરી છે. અને તે સાથે આપણે તહેવારને ખુબ સારી રીતે માણી શકીએ છીએ.