કોરોના ઇફેક્ટ: AMCનું મિશન મિલિયન ટ્રીઝ અભિયાન રદ કરવામાં આવ્યું

પ્રતિકાત્મક
અમદાવાદ, (દેવેન્દ્ર શાહ દ્રારા) : અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દર વરસે ચોમાસાની સિઝન દરમ્યાન એક લાખ રોપા લગાવવામાં આવે છે. જે પૈકી માંડ ર૦ થી ૩૦ રોપાઓનો બચાવ થાય છે તેથી વૃક્ષારોપણ અભિયાન સાર્થક સાબિત થતું નથી. પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ વૃક્ષારોપણ અભિયાનને યથાર્થ સાબિત કરવા અને હરિયાળી ક્રાંતિ લાવવા માટે ‘મિશન મિલીયન ટ્રીઝ’ ની જાહેરાત કરી હતી.
તથા વિશ્વ પર્યાવરણ દિનથી ૩૧ ઓગષ્ટ સુધીના સમયગાળામાં દસ લાખ રોપા લગાવવાની જાહેરાત કરી હતી.સાથે સાથે ૮૦ ટકા કરતા પણ વધુ રોપાનો વ્યવસ્થિત ઉછેર થાય તે માટે વિવિધ એનજીઓ અને એસોસીએેશનને સ્વેચ્છીક જવાબદારી લીધી હતી.‘મિશન મીલીયન ટ્રીઝ’ અભિયાનમાં ગત વરશે 11 લાખ 80 હજાર વૃક્ષ લગાવવામાં આવ્યા હતા. તથા ચાલુ વર્ષે પણ 11 લાખ વૃક્ષ લગાવવા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કોરોના અને લોકડાઉન ના કારણે સદર અભિયાન રદ કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે.
મ્યુનિસિપલ પાર્કસ. એન્ડ ગાર્ડન વિભાગના સુત્રોએ જણાવ્યા અનુસાર ગત વર્ષે ‘મિશન મીલીયન ટ્રીઝ’ પ્રોજેક્ટ ની સફળતા બાદ ચાલુ વર્ષે પણ 11 લાખ વૃક્ષો લગાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તેને સફળ બનાવવા માટે સાત ઝોનમાં રિઝર્વ પ્લોટ ની યાદી તૈયાર કરવા માટે એસ્ટેટ વિભાગ ને સૂચના આપવામાં આવી હતી. રિઝર્વ પ્લોટ નું લીસ્ટ લગભગ તૈયાર થઈ ગયું હતું પરંતુ કોરોના ના કારણે લોકડાઉન જાહેર થયા બાદ મનપા ઘ્વારા સમગ્ર પ્રોજેક્ટ કેન્સલ કરવામાં આવ્યો છે
મ્યુનિસિપલ બગીચા ખાતાના ડાયરેક્ટર જીજ્ઞેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર લોકડાઉન ના કારણે મિશન મિલિયન ટ્રીઝ માટે જરૂરી તૈયારીઓ થઈ શકી નથી. ખાસ કરી ને શ્રમિકો ની અછત ના કારણે જરૂરી ખાડા ખોદવા અને વૃક્ષ લગાવવાની કામગીરી મુશ્કેલ છે. જેના કારણે આ ચોમાસામાં મિશન મિલિયન ટ્રીઝ અભિયાન રદ કરવાની ફરજ પડી છે. તેમ છતા શક્ય તેટલા વધુ રોપા લગાવવા પ્રયત્ન કરવામાં આવશે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સમયે પણ બે લાખ વૃક્ષ લગાવવામાં આવ્યા હતા.
ગત ચોમાસામાં મિશન મિલિયન ટ્રીઝ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૦ પ્લોટમાં જાપાનની મીયામીવાદી પધ્ધતિથી સાડા ત્રણ લાખ રોપા લગાવવામાં આવ્યા હતા. જ્યારે ૭૦૦ કિલોમીટર રસ્તાની બંન્ને બાજુ ૪૦ હજાર કરતા પણ વધુ વૃક્ષ રોપવામાં આવ્યા હતા.. શહેરને પ્રદુષણ મુક્ત કરવા માટે ૧ર૦ રિઝર્વ પ્લોટમાં ગીચ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.. જેના કારણે પ્રદુષણની માત્રામાં ઘટાડો થયો છે..ભૂતકાળમાં રોપા લગાવ્યા બાદ તેની માવજતની સમસ્યા રહેતી હતી.
તેના કારણે માંડ ર૦ ટકા રોપા જ બચતા હતા. ‘મિશન મિલીયન ટ્રીઝ’ અભિયાનમાં રોપા લગાવવાની સાથે સાથે તેનો યોગ્ય ઉછેર થાય એ દિશામાં પણ ધ્યાન આપ્યુ છે. જેમાં સદર પ્રોજેક્ટમાં ખાનગી પ્લોટના માલિકો, જીઆઈડીસી એસોસીએશન, વેપારી એસોસીએશન, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થાનો, એનજીઓ વગેરેને પણ જોડવામાં આવ્યા હતા.આ તમામ સંસ્થાઓ દ્વારા વૃક્ષની માવજત કરવાની જવાબદારી લેવામાં આવી છે. મ્યુનિસિપલ રીઝર્વ પ્લોટમાં જે રોપા લગાવવામાં આવ્યા હતા. તેની માવજત માટે પણ વિવિધ એનજીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
તેથી દસ લાખ વૃક્ષો પૈકી ઓછામાં ઓછો ૮૦ ટકા રોપાનો વ્યવસ્થિત ઉછેર થશે તેમ જણાવ્યુ હતુ. મિશન મિલીયન ટ્રીઝ પ્રોજેક્ટમાં લીમડો, ગુલમહોર, કણજી, વડ, પીપળો, સપ્તપણી, ગરમાળો, બોરસલ્લી, પેથોડીયા, મહાગોની જેવા વૃક્ષોની વિવિધ જાતો લગાવવામાં આવી છે. ઓછા પાણીમાં પણ વ્યવસ્થિત ઉછેર થઈ શકે એ બાબતનું ખાસ ધ્યાન રાખીને વૃક્ષોની પસંદગી કરવામાં આવી હતી. મિશન મીલીયન ટ્રીઝ’ પ્રોજેક્ટની સફળતા સાથે જ શહેરમાં હરિયાળી ક્રાંતિ’નું સ્વપ્ન સાકાર થયું છે, એમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ