કોરોના કહેર વધતાં યુરોપમાં ફરીથી લોકડાઉનની માગણી
બ્રસેલ્સ, કોરોનાને કારણે સમગ્ર યુરોપમાં ફરીથી લૉકડાઉનની માગણી શરૂ થઈ છે. યુરોપના દેશોમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં આ વિચારણા શરૂ થઈ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે સામાજિક કાર્યક્રમોમાં વધુ લોકો, ખાસ કરીને યુવાનો ભેગા થવાના કારણે અને મોટી સંખ્યામાં લોકોના ટ્રાવેલિંગના કારણે કોરોનાના દર્દીઓ વધ્યા છે. ફ્રાન્સમાં મે મહિનામાં લૉકડાઉન પૂરું કરાયા બાદ પહેલી વાર ગુરુવારે સૌથી વધુ ૧૦,૫૯૩ કેસ સામે આવ્યા. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને કહ્યું કે મહામારી ઘણી સક્રિય થઇ ચૂકી છે. આ અંગે બેદરકારી ન દાખવી શકાય. અમે સ્થાનિક વહીવટીતંત્રને કહ્યું છે કે તેઓ પોતાના સ્તરે લૉકડાઉન જેવાં પગલાં ભરે. અમે દેશવ્યાપી ધોરણે લૉકડાઉન કરવા નથી ઇચ્છતા. જોકે, રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મૈક્રોંએ આ અઠવાડિયે જ કહ્યું હતું કે લોકોએ કોરોના વાઇરસ સાથે જીવતા શીખી લેવું જોઇએ. બીજી તરફ ફ્રાન્સમાં છેલ્લાં બે અઠવાડિયાંમાં આઇસીયુમાં દાખલ દર્દીઓની સંખ્યા અચાનક ૮૦૦ પર પહોંચી ગઇ છે. બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ મેટ હેનકોગે કહ્યું કે તેમના દેશમાં ફરી લૉકડાઉન લગાવાશે. આખા બ્રિટનમાં હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ગયા અઠવાડિયાથી બ્રિટનમાં રોજ સરેરાશ ૩,૩૦૦ દર્દી મળી રહ્યા છે.
અત્યાર સુધીમાં ૩,૮૧,૬૧૪ દર્દી મળ્યા છે અને ૪૧,૭૦૫ મોત થયાં છે. જર્મનીમાં એપ્રિલ બાદ પહેલી વાર સૌથી વધુ ૨ હજાર નવા દર્દી મળ્યા છે. અર્થમંત્રી પીટર અલ્ટમેયરે યુરોપીય સંઘના દેશોના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં કહ્યું કે જર્મનીમાં મહામારી પાછી ફરી રહી છે. યુરોપમાં અગાઉ જેવી સ્થિતિ ન સર્જાય. જર્મનીમાં અત્યાર સુધીમાં ૨,૬૯, ૪૪૧ દર્દી મળ્યા છે અને ૯,૪૬૦ મોત થયાં છે. સ્પેન રાજધાની મેડ્રિડમાં લૉકડાઉનની તૈયારી કરી રહ્યું છે. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે આઇસીયુ બેડ બચ્યા નથી. શહેરની હોસ્પિટલોના ૨૧ ટકા બેડ દર્દીઓ માટે રખાયા હતા. સ્પેનમાં ૨ દિવસથી ૧૧ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૬,૨૫,૬૫૧ દર્દી મળ્યા છે અને ૩૦,૪૦૫ મોત થયાં છે.SSS