Western Times News

Gujarati News

કોરોના કાળમાં ગુજરાતે વિકાસની ગતિને અવિરત રાખી છે: રૂપાણી

છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોની સુવિધા માટે રૂ. ૬૧૩.૧૯ કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે વિકાસની ગતિ થંભી ગઇ છે, પણ ગુજરાતે આ મહામારીનો મજબૂતાઇથી સામનો કરીને વિકાસની ગતિ અવિરત રાખી છે. કોરોના કાળ ચાલતો હોવા છતાં પણ છેલ્લા પાંચ માસમાં રાજ્યમાં રૂ. ૨૫ હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી લોકસુવિધાને બહેતરીન બનાવવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જિલ્લાના નાગરિકોની જનસુવિધા અને સુખાકારી માટે રૂ. ૬૧૩.૧૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂ. ૬૦૧.૮૮ કરોડના વિકાસ કામોનો પણ આ વિકાસકામોમાં સમાવેશ થાય છે.

રાજ્યના તમામ ઘરોમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં નલ સે જલ પહોંચાડવાના દૃઢ સંકલ્પને દોહરાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવું છે. રાજ્યમાં વીજગ્રિડ અને ગેસની ગ્રિડની જેમ જ પાણી વિતરણ માટે એક લાખ કિલોમિટર લાંબી પાઇપ લાઇનની વોટર ગ્રિડ ઉભી કરી છેવાડાના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું છે.     મા નર્મદા ગુજરાતની પરિક્રમા કરવા નીકળી છે. રાજ્યમાં છેલ્લા એક માસમાં પાણી પુરવઠાની વિવિધ યોજનાઓના રૂ. ૫૭૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વિકાસ વિરોધીઓની આલોચના કરતાં કહ્યું કે, ભૂતકાળની સ્થિતિ જો જોવામાં આવે તો પહેલા માત્ર ૨૬ ટકા ઘરોમાં જ નળ જોડાણની સુવિધા હતી. તે અમારી સરકારે વધારીને ૮૨ ટકા કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ વર્ષ ૨૦૨૪ સુધીમાં નલ સે જલ યોજના સાકાર કરવાનો છે. પણ, ગુજરાત વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યના તમામ એટલે ૧૦૦ ટકા ઘરોમાં નળથી જળ પહોંચાડી દેશે, તેવું સુદ્રઢ આયોજન કર્યુ છે.

તેમણે એમ પણ ઉમેર્યું કે, ભૂતકાળમાં માત્ર ચૂંટણી ટાણે જ વિકાસકામો યાદ આવતા હતા. પૂરતી નાણાકીય જોગવાઇ કે આયોજન વિના જ વિરોધીઓ દ્વારા ખાતમુહૂર્તોના નામે નાટકો કરવામાં આવતા હતા. ચૂંટણી પતી ગયા બાદ એ યોજના ભૂલી જવાતી હતી. શીલાન્યાસનો પથ્થર પણ ધૂળ ખાતો રહેતો હતો. પણ, આ સરકારે પહેલા સુદ્રઢ નાણાકીય આયોજન કર્યા બાદ સૈદ્ધાંતિક-તાંત્રિક મંજૂરી મેળવીને વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા છે. એટલે અમે ગર્વ સાથે કહીએ છીએ કે, અમે જે કામના ખાતમુહૂર્ત કરીએ છીએ તે કામોના અમે જ લોકાર્પણ કરીએ છીએ.

ટીકાકારોને એ વાત યાદ અપાવતા શ્રી રૂપાણીએ કહ્યું કે, દેશના એક સમયના વડાપ્રધાનશ્રીએ એવું કહેલું કે, કેન્દ્ર સરકાર એક રૂપિયો વિકાસ માટે મોકલે છે તેની સામે પ્રજા પાસે માત્ર ૧૫ પૈસા જ પહોંચે છે. ભૂતકાળની સરકારોની તિજોરીમાં મોટા કાંણા હતા અને વચેટિયાઓ આ ૮૫ પૈસા હજમ કરી જતાં હતા.

પરંતુ, નરેન્દ્રભાઇ મોદી કહે છે કે હું ખાતો પણ નથી અને ખાવા દેતો પણ નથી. એ બાબત સરકારની પારદર્શક કાર્યશૈલી દર્શાવે છે. અમે પારદર્શક શાસન થકી નાગરિકોના પરસેવાના પૈસાનો સદ્દઉપયોગ કરીએ છીએ. એક રૂપિયાના કામ સામે અમે સવા રૂપિયાનું કામ કરી દેખાડીએ છીએ.

શ્રી રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે, પહેલા રાજ્યનું બજેટ માત્ર ૮-૯ હજાર કરોડ હતું. તે આજે વધીને રૂ. ૨. ૧૦ લાખ કરોડ થઇ ગયું છે. લોકોના કામો કરવા માટે અમારી પાસે પૈસા પણ છે અને પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ પણ છે.

તેમણે વિરોધીઓને આડે હાથ લેતા ઉમેર્યું કે, તેમને સપના જોતા પણ આવડતું નથી. પાણીની યોજનાઓ બાબતે વિરોધીઓ કહેતા હતા કે પાઇપ લાઇનમાંથી માત્ર હવા જ નીકળશે. પણ, અમે યોજનાઓ સાકાર કરી દેખાડતા વિરોધીઓની હવા નીકળી ગઇ છે. આ યોજનાઓને મુંગેરી લાલના સપના જેવી ગણાવતા લોકોને અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે દિવસે સ્વપ્ન જોઇ તેને સાકાર કરવાની, જમીન પર ઉતારવાની ક્ષમતા ધરાવીએ છીયે.

તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આરંભવામાં આવેલી જનકલ્યાણની યોજનાઓની માહિતી આપતા જણાવ્યું કે, દરેક ઘરમાં શૌચાલયો બનાવી નારીઓને ગૌરવપૂર્ણ જીવવાનો રાહ ચિંધ્યો છે. આટલું જ નહીં., આવાસ યોજના તથા પાક મકાનો બનાવવામાં આવ્યા છે. ગરીબ ગૃહિણીઓના આરોગ્યની ચિંતા કરીને ઉજ્જવલા યોજના હેઠળ ઘરેલું ગેસ જોડાણ પૂરા પાડ્યા છે અને જલ જીવન મિશન હેઠળ સમગ્ર ભારતવર્ષમાં નળથી જળ આપવાનું મહાઅભિયાન ઉપાડ્યું છે.

શ્રી રૂપાણીએ આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા કદમની ભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યું કે, આદિવાસી યુવાનો તબીબ ઇજનેર બને તે માટે શિક્ષણની સુવિધાનો વ્યાપ વધાર્યો છે.   કાયદા અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ પણ વિકાસની જરૂરિયાત છે તેમ કહી તેમણે પાસા કાયદામાં સુધારા, લેન્ડ ગ્રેબિંગ એક્ટ, ગુન્ડા એક્ટ, જાતીય હુમલાના બનાવોમાં રાજ્ય સરકાર દ્વારા કડક કરાયેલા કાયદાઓની જાણકારી ઉપસ્થિતોને આપી હતી.

રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, આઝાદી બાદના ૪૨ વર્ષ સુધી આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણીની પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નહોતી. નર્મદા સહિતની અન્ય નદી નજીક હોવા છતાં પીવાના પાણીનું નક્કર આયોજન ભૂતકાળમાં થયું નહોતું. પણ, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે છેવાડાના વિસ્તારો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે.    છોટાઉદેપુર જિલ્લાના તમામ ઘરોને પીવાનું શુદ્ધ પાણી મળે તેનું અસરકારક આયોજન સરકારે કર્યું છે. જેના પરિણામે પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે. તેમણે આદિવાસીઓના સામાજિક અને આર્થિક તથા શૈક્ષણિક વિકાસ માટે રાજ્ય સરકારે શરૂ કરેલી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. પ્રારંભે સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતે કલેક્ટર શ્રી સુજલ મયાત્રાએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવી, પૂર્વ સાંસદ શ્રી રામસિંહ રાઠવા, પૂર્વ વિધાયક શ્રી શંકરભાઇ રાઠવા, શ્રી વેચાતભાઇ રાઠવા, શ્રી જયંતિભાઇ રાઠવા, અગ્રણી શ્રી રશ્મીકાંતભાઇ વસાવા, સભ્ય સચિવ શ્રી મયુરભાઇ મહેતા પદાધિકારીઓ, પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.