કોરોના કાળમાં પતંજલિની કોરોનિલની જબ્બર માગ
નવીદિલ્હી, કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર વિશ્વ તેની વેક્સિન શોધવાના પ્રયાસ કરી રહ્યું છે. તેવામાં ગત દિવસોમાં યોગગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે, પતંજલિ આયુર્વેદની તરફથી તૈયાર કરવામાં આવેલ કોરોનિલ દવા ખુબ જ કારગર છે. જેને લઈ વિવાદ પણ ઉભો થયો હતો, અને બાદમાં રામદેવે કહ્યુ હતું કે, કોરોનિલ દવા ઈમ્યુનિટી વધારવામાં કારગર છે. રામદેવનું માનીએ તો, પતંજલિ આયુર્વેદને કોરોનિલ માટે દરરોજ ૧૦ લાખ પેકેટની માગ મળી રહી છે.
બાબા રામદેવે કહ્યું કે, હરિદ્વાર સ્થિત આ કંપની માગને પૂરા કરવા માટે ઝઝૂમી રહી છે, કેમ કે અત્યારે રોજના એક લાખ પેકેટની આપૂર્તિ કરી રહી છે. તેઓએ દાવો કર્યો કે, આજે અમારી પાસે રોજ કોરોનિલના ૧૦ લાખ પેકેટની માગ છે અને અમે ફક્ત એક લાખ જ પેકેટની આપૂર્તિ કરી શકીએ છીએ. રામદેવે કહ્યું કે, પતંજિલ આયુર્વેદે તેની કિંમત ૫૦૦ રૂપિયા રાખી હતી. કોરોના કાળમાં જો અમે તેની કિંમત ૫૦૦૦ રૂપિયા લગાવી હોત તો અમે સરળતાથી ૫૦૦૦ કરોડ રૂપિયા કમાવી શકતા હતા. પણ અમે તેવું કર્યું ન હતું.
રામદેવ ઉદ્યોગ સંસ્થા એસોચેમ દ્વારા આયોજિત કાર્યક્રમ આર્ત્મનિભર ભારત-વોકલ ફોર લોકલને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરી રહ્યા હતા. આ પહેલાં જૂનમાં રામદેવે દાવો કર્યો હતો કે, કોરોનિલ કોવિડ-૧૯ દર્દીઓને ઠીક કરી શકે છે. જો કે, આયુષ મંત્રાલયે તરત જ તેના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને બાદમાં કેન્દ્રીય મંત્રાલયે કહ્યું કે, પતંજલિ આ ઉત્પાદનને ફક્ત ઈમ્યુનિટી વધારવાની દવા તરીકે વેચી શકે છે અને કોવિડ ૧૯ની સારવાર માટે નહીં. આ ઉપરાંત રામદેવે કહ્યું કે, અમે અમારા ગાયનાં ઘીને ૧૩૦૦-૧૪૦૦ કરોડ રૂપિયાની વાર્ષિક બ્રાન્ડ બનાવી છે.