Western Times News

Gujarati News

કોરોના કાળમાં બધું થંભી ગયું હતું ત્યારે પણ સરકાર દ્વારા પ્રજા ઉપયોગી કાર્યો ચાલુ રહ્યા હતા

રાજકોટ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિવસના અનુસંધાને તા.૨/૮/૨૦૨૧ના રોજ સેવા દિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સવારે ૦૯.૦૦ વાગ્યાથી બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં શહેરના સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોન માટે સંયુક્ત રીતે ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન, ડો. યાજ્ઞિક રોડ ખાતે સેવા સેતુ કેમ્પ અને ઈસ્ટ ઝોન માટે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, પેડક રોડ ખાતે સેવા સેતુ કેમ્પ યોજાયો હતો.

ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન ખાતેના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સંબોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એમ કહ્યું હતું કે, સરકારે પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવાને બદલે “સેવા યજ્ઞ” હાથ ધર્યો છે. નવ દિવસમાં અનેક વિકાસ કાર્યોના ખાતમુહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન કરેલ છે. કોઇ પણ રાજ્યના વિકાસની પ્રાથમિક શરતો રાજકીય સ્થિરતા, રાજકીય ઇચ્છાશક્તિ, ઈમાનદારી, નિર્ણાયકતા, સંવેદનશીલતા, પ્રગતિશીલતા છે. આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ દેશનું સુકાન સંભાળી રહેલ માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે જનભાગીદારીના આધારે વિકાસનો જે પાયો નાખ્યો હતો, ત્યાંથી આગળ વધતા સરકારે ગુજરાતની પ્રગતિ માટે શ્રેણીબદ્ધ વિકાસકામો કર્યા છે અને ભવિષ્યમાં પણ આ સિલસિલો જળવાઈ રહેશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં બધું થંભી ગયું હતું ત્યારે પણ સરકાર દ્વારા પ્રજા ઉપયોગી કાર્યો ચાલુ રહ્યા હતા. એ ખરેખર “સેવા યજ્ઞ” છે. આ કપરા સમયમાં પણ રૂ.૧૬,૦૦૦ કરોડના વિકાસ કાર્યો સરકારે કર્યા છે. આજના દિવસે સાચા અને નાના લાભાર્થીઓ લાભથી વંચિત રહી ન જાય અને ખોટા લાભાર્થીઓ લાભ ન લઇ જાય તેની ચિંતા સરકારે કરી છે. અમારી સરકાર લોકોની આકાંક્ષા પૂરી કરવાવાળી સરકાર છે. અમે વોટ બેંક ઉભી કરવા માટે નહિ

પરંતુ, લોકોના હિત અને પ્રગતિ માટે આવ્યા છીએ. અમારી સરકાર સત્તા માટે નહિ પરંતુ, લોકોની સેવા માટેની સરકાર છે. અત્યાર સુધીના સેવા સેતુના કાર્યક્રમોમાં કરોડો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો છે. હવે સરકાર ઈ-સેવા સેતુની નવી પહેલ કરશે. લોકોને દરરોજ સમયસર સેવાનો લાભ મળતો રહે તે માટે આયોજન કરેલ છે. મુખ્યમંત્રીએ એમ કહ્યું કે, સરકાર પારદર્શકતાના આધાર પર ફેઈસલેસ વ્યવસ્થા, અલગ અલગ વિભાગમાં ઓનલાઈન સેવા શરૂ કરશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નિર્ણાયકતા-સંવેદનશીલતા-પ્રગતિશીલતા-પારદર્શિતાના પાયા પર સરકાર પોતાની ભૂમિકા નિભાવશે જ, તેવી હું ખાતરી આપું છું. પારદર્શકતાના આધાર પર ભ્રષ્ટાચારને દુર કરવા રાજ્ય સરકાર સંખ્યાબંધ ર્નિણયો લઈ રહી છે. જેને પ્રચંડ જનસમર્થન સાંપડી રહ્યું છે. રાજ્યને વિકાસનું રોલ મોડેલ બનાવવાની સાથે સમૃધ્ધિ તથા પ્રગતિના પથ પર સદાને માટે અગ્રેસર બનાવવા માટે રાજ્યના નાગરિકોની ચેતનાને જગાડવા માટે રાજ્ય સરકાર સદા પ્રયત્નશીલ રહી છે.

રાજ્યના નાના માણસો પ્રત્યે પોતાની સંવેદના દર્શાવતા રાજ્યની પ્રગતિના કેન્દ્રમાં સદાય નાના માણસો જ રહ્યા છે, તથા તેમને અનુલક્ષીને જ વિવિધ યોજનાઓનું અમલીકરણ કરાઇ રહ્યું છે. ગ્રામ્ય તથા છેવાડાના વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકારે બ્રોડબેન્ડ કનેકટીવિટી તથા ઓપ્ટિકલ ફાઇબરની જાળ બિછાવીને ગામડાઓને મુખ્ય પ્રવાહ તથા તેના વિકાસ સાથે જાેડ્યા છે.

આ અવસરે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે રાજ્ય સરકારે સંવેદના સાથે અમલી બનાવેલી “મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના” ની ટૂંકી વિગતો આપી હતી.

કોરોનાને લીધે વાલીનું છત્ર ગુમાવનાર બાળકોના શિક્ષણની ફી સ્કૂલમાં જમા કરાવવાનો પ્રારંભ કરનાર જે.એમ. ફાઈનાન્સિયલ ફાઉન્ડેશનના સંચાલકોનો મંત્રી ઈશ્વરભાઈ પરમારે આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.