કોરોના કાળમાં વિદેશમાં ફસાયેલા ૬૧ લાખ નાગરિકોને પરત લવાયા
નવીદિલ્હી: કોરોના સંક્રમણને કારણે વિદેશમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા માટે શરૂ કરવામાં આવેલી ‘વંદે ભારત મિશન’ અંતર્ગત સરકારે લગભગ ૬૧ લાખ નાગરિકોને ઘરે પરત લાવવામાં સફળ રહી છે. રાજ્યસભામાં વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી. મંત્રાલયે લેખિત જવાબમાં કહ્યું છે કે ૩૦ એપ્રિલ ૨૦૨૧ સુધીમાં કુલ ૬૦,૯૨,૨૬૪ ભારતીયો દેશમાં પાછા ફર્યા છે.
ગયા વર્ષે શરૂઆતમાં જ્યારે કોરોના રોગચાળો ચીનની બહાર ફેલાવા લાગ્યો હતો, ત્યારે વિશ્વના મોટાભાગના દેશોએ કડક લોકડાઉન અને પ્રતિબંધો જાહેર કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, વિશ્વના ઘણા દેશોમાં લાખો ભારતીયો ફસાઈ ગયા. સરકારે તેમને પાછા લાવવા માટે ‘વંદે ભારત મિશન’ શરૂ કર્યું હતું અને વિશ્વના વિવિધ ખૂણામાંથી વિશેષ વિમાનો દ્વારા લોકોને પરત લાવવામાં આવ્યા હતા. જાેકે, મુસાફરોએ ભાડુ આપવું પડ્યું હતું.
વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે ૩૫૦૦થી વધુ ભારતીય નાગરિકો વિદેશમાં કોરોના ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. મંત્રાલયે કહ્યું છે કે વિદેશમાં સ્થિત મિશન અને પોસ્ટ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ૩૫૭૦ ભારતીયો વિદેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.