કોરોના કાળમાં શ્રીમંતોની સંપત્તિમાં 35 ટકા વધારો થયો: ઓક્સફામના રિપોર્ટમાં રજૂ થઇ ચોંકાવનારી માહિતી

નવી દિલ્હી, 2020ના માર્ચ એપ્રિલથી આરંભાયેલા કોરોના કાળમાં દેશના અબજોપતિઓની સંપત્તિમાં 35 ટકા જેટલો વધારો થયો હતો જ્યારે ગરીબો અને શ્રમિકોને એક એક ટંકના ભોજનના વાંધા પડી ગયા હતા.
ઓક્સફામની ઇનઇક્વલિટી વાઇરસ નામના રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો 2020ના માર્ચ પછીના સમયગાળામાં ભારતના 100 અબજોપતિઓની સંપત્તિમાં 12,97,822 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. આ રકમ દેસના 13. 8 કરોડ ગરીબોમાં વહેંચી આપવામાં આવે તો દરેક ગરીબને રૂપિયા 94,045 મળી શકે. અબજોપતિઓની સંપત્તિનો આ વધારો 35 ટકા જેટલો હતો.
આ રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે કોરોના કાળમાં મૂકેશ અંબાણીને દર કલાકે જેટલી કમાણી થતી હતી એટલી કમાણી બિનકુશળ શ્રમિક કરવા ધારે તો દસ હજાર વર્ષ લાગી શકે.
રિપોર્ટમાં જણાવાયા મુજબ કોરોના મહામારી છેલ્લાં એકસો વર્ષમાં સૌથી મોટું સ્વાસ્થ્ય સંકટ હતું અને એને કારણે 1929-30 ની મંદી પછી પહેલીવાર સૌથી મોટી આર્થિક કટોકટી સર્જાઇ હતી. ઓક્સફામના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ બેહરે કહ્યું કે આ રિપોર્ટ પરથી સ્પષ્ટ સમજાય છે કે અન્યાયપૂર્ણ આર્થિક વ્યવસ્થાને કારણે સૌથી મોટા સ્વાસ્થ્યલક્ષી અને આર્થિક સંકટ દરમિયાન સૌથી વધુ શ્રીમંત લોકોએ વધુ સંપત્તિ મેળવી હતી જ્યારે કરોડો લોકો એક ટંક ભોજન માટે તડપ્યા હતા.
હજારો લોકો તો ભૂખમરાનો ભોગ બન્યા હતા જ્યારે શ્રીમંતો સાવ નિરાંતે વધુ સંપર્તિ અર્જિત કરી રહ્યા હતા.