Western Times News

Gujarati News

કોરોના કાળમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ફિક્કી હશે

નવી દિલ્હી, આ વર્ષે કોરોના વાયરસના ભરડા વચ્ચે દેશમાં ૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લા પર યોજાનારો કાર્યક્રમ દર વર્ષની સરખામણીમાં એકદમ અલગ હશે. આ વખતે મેદાનમાં બાળકો નહીં હોય અને ભીડ પણ જોવા નહીં મળે. કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને આ વખતે સ્ટાન્ડર્ટ પ્રોટોકોલોનું પાલન કરવામાં આવશે. એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે ઉજવણીના ઉત્સાહમાં કરોના વાયરસની મહામારી ભૂલી ના જવાય. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ આ વખતે સ્કૂલના બાળકો સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પર એકઠા નહીં થાય. મહેમાનોનું લિસ્ટ પણ એકદમ નાનું કરી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને સીટિંગ અરેન્જમેન્ટ એકદમ અલગ હશે અને પોલીસના જવાનો પીપીઈ કિટ સાથે જોવા મળશે. સ્વતંત્રતા દિનની ઉજવણી પર બપોરે રાષ્ટ્રપતિ ભવનમાં થનારા એટ હોમ કાર્યક્રમમાં પણ આ વખતે કંઈક ખાસ જોવા મળશે. આ કાર્યક્રમમાં ‘કોરોના વોરિયર્સ’ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. કહેવાય છે કે આ કાર્યક્રમ માટે મેડિકલ પ્રોફેશનલ અને હેલ્થ સેક્ટરના જાણીતા લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે આ વખતે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં મહેમાનોનું લિસ્ટ નાનું હશે.

દર વર્ષે લગભગ ૯૦૦-૧૦૦૦ લોકોને બોલાવવામાં આવતા હતા, પણ આ વખતે માત્ર ૨૫૦ લોકોને આમંત્રણ આપવામાં આવશે અને તેઓ વડાપ્રધાન મોદીના દેશને સંબોધનના કાર્યક્રમ દરમિયાન હાજરી આપશે. તેમણે જણાવ્યું કે અંતિમ લિસ્ટ સંરક્ષણ મંત્રાલય તૈયાર કરશે. જણાવી દઈએ કે સ્વતંત્રતા દિવસના પ્રસંગે દર વર્ષે મંત્રીઓ, રાજકીય નેતાઓ અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને હજારો સ્કૂલના બાળકો કિલ્લા પાસે તિરંગો બનાવીને બેસતા હતા. પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે આ વખતે ભીડ ઓછી હશે. ઉત્તર દિલ્હીના ડીસીપી મોનિકા ભારદ્વાજે કહ્યું, “કોરોના મહામારીના કારણે આ વર્ષે બાળકો સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ભાગ નહીં લઈ શકે. માત્ર એનસીસી કેડેટ્‌સ ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે. સ્ટાફ પીપીઈ કિટમાં હશે.

આ સિવાય સેનિટાઈઝ કરવા માટે ઘણી જગ્યાઓ બનાવવામાં આવશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે “એટ હોમ કાર્યક્રમનું આયોજન થશે પરંતુ તેની રુપરેખા હજુ સુધી તૈયાર કરાઈ નથી. આમંત્રિતોનું લિસ્ટ, ભીડની સંખ્યા, આયોજન સ્થળ અને આ દરમિયાન લોકોને ચા આપવામાં આવે કે નહીં તે તમામ વિષયો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, અને જલદી તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ બધું ઓગસ્ટના મધ્યમાં કોરોનાની સ્થિતિ પર નિર્ભર કરે છે. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના કાર્યક્રમની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

આ વર્ષે ખુરશીઓ માટે સ્થાન નક્કી કરવામાં આવ્યા છે અને બેસવા માટેની જગ્યા પણ નક્કી કરવામાં આવી છે. લાલ કિલ્લાને ૧ ઓગસ્ટથી સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે આ વખતે સૌથી મોટી મુશ્કેલી મજૂરોની અછત છે. સામાન્ય રીતે સાઈટ પર લગભગ ૨,૦૦૦ મજૂરો હોય છે. પરંતુ આ વખતે અમને અડધા મજૂરો મળી રહ્યા છે, કારણ કે ઘણાં લોકો પોતાના ગામ જતા રહ્યા છે. અમે ઘણાં લોકોને પરત બોલાવ્યા છે અને વધારે રુપિયા આપીને કામ કરાવી રહ્યા છીએ. દિલ્હી પોલીસ સિવાય એજન્સીઓ ૧૫ ઓગસ્ટની તૈયારીઓમાં જોડાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.