કોરોના કાળ થેલેસેમિયાના દર્દીઓ માટે ઘાતક બન્યો
નવી દિલ્હી: થેલેસેમિયાને ઓટોસોમલ રિસેસિવ બ્લડ ડિસઓર્ડર ગણવામાં આવે છે. થેલેસેમિયા વારસાગત હોય છે. માતાપિતાના જનીનો કારણે આ રોગ બાળકમાં ઉતરે છે. થેલેસેમિયા લાલ રક્તકણોને નબળા પાડે છે, એટલું જ નહીં ક્યારેક તેનો નાશ પણ કરી નાખે છે. પરિણામે હિમોગ્લોબીન પર અસર થાય છે. જેનાથી દર્દી એનિમિયાનો ભોગ બને છે. આરોગ્ય તજજ્ઞોના મત મુજબ, થેલેસેમિયાના ગંભીર સ્વરૂપથી પીડિત વ્યક્તિને દર મહિને લોહી ચઢાવવાની જરૂર પડે છે. થેલેસીમિયાને કારણે દર્દીના શરીરમાં આયર્ન ઓવરલોડ હોય છે.
દવાઓ અથવા ઇન્જેક્શન દ્વારા તેને ચીલેટેડ કરવાની જરૂર પડે છે. રક્તદાનથી થેલેસેમિયા, એનિમિયા અને લોહીની ઉણપ સામે લડતા દર્દીઓના જીવ બચાવવાનો સૌથી સરળ રસ્તો છે. જેમાં સમય પણ ઓછો લાગે છે. જાેકે, કોરોના વાયરસની સ્થિતિ સામે લડવા માટે સરકાર દ્વારા અનેક સ્થળોએ લોકડાઉન લાદી દેવામાં આવતા રક્તદાન કેમ્પ યોજવા મુશ્કેલ બન્યા છે. આમ તો કોરોના વાયરસ લોહીના કારણે ફેલાતો નથી, પરંતુ કોરોના રસીનો છેલ્લો ડોઝ લીધાના ૨૮ દિવસ પહેલા વ્યક્તિ રક્તદાન કરી શકે નહીં તેવો ઓર્ડર નેશનલ બ્લડ ટ્રાન્સફયુઝન કાઉન્સિલ દ્વારા આપવામાં આવ્યો છે.
આ કારણે પણ રક્તદાન અભિયાનને અસર થઈ છે અને થેલેસેમિયા દર્દીઓને લોહી ચઢાવવા માટે જરૂરી લોહીની અછતનું કારણ બન્યું છે. દર્દીને લોહી આપવા માટે હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં રક્ત હોવું જાેઈએ. જાેકે, કોરોના મહામારીના કારણે હોસ્પિટલોમા પૂરતા પ્રમાણમાં લોહી નથી. પરિણામે થેલેસેમિયાથી પીડિત દર્દીઓ સામે લોહી મેળવવા પડકારો ઉભા થયા છે. કોરોના મહામારીના કારણે આયર્નને ચેલેટેડ કરતી દવાઓના ઉત્પાદન અને સપ્લાઈ પર પણ અસર થઈ છે.
શરીરમાં આયર્ન ઓવરલોડથી છુટકારો મેળવવામાં અસમર્થ દર્દીઓની સ્થિતિ વધુ કથળી રહી છે. આ દરમિયાન થેલેસેમિયા ઇન્ટરનેશનલ ફેડરેશનએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, થેલેસેમીયાના દર્દીઓને ચાલુ મહામારીમાં સંવેદનશીલ સમૂહ માનવું જાેઈએ અને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં તેમને પ્રાધાન્ય આપવું જાેઈએ.