કોરોના કાળ વચ્ચે કાશ્મીરમાં સૌથી વધુ પર્યટકો પહોંચ્યા, છેલ્લા ૭ વર્ષનો તૂટ્યો રેકોર્ડ
શ્રીનગર, દેશમાં છેલ્લા ૨ વર્ષથી લોકો કોરોના મહામારી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. ત્યારે ચાલુ વર્ષ ૨૦૨૧ માં કોરોનાનાં નવા ડેલ્ટા વેરિઅન્ટનાં કારણે મોટી સંખ્યામાં લોકોએ પોતાના પરિજનને ખોયા છે. જાે કે તેની અસર જ્યારે ઓછી થઇ ત્યારે ઘરનાં માહોલમાં કંટાળી ગયેલા લોકોએ દેશનાં અલગ-અલગ પ્રવાસન સ્થળોએ જવાનું શરૂ કર્યુ હતુ. જેમા સૌથી વધુ કાશ્મીરમાં લોકોએ જવાનું પસંદ કર્યુ હતુ.
જમ્મુ અને કાશ્મીર સરકારનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, આ વર્ષે નવેમ્બરમાં કુલ ૧,૨૭,૬૦૫ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી, જે છેલ્લા સાત વર્ષમાં આ મહિનાનાં તમામ આંકડા કરતા વધુ છે.
અધિકારીઓ પર્વતીય કેન્દ્રશાસિત પ્રદેશમાં શિયાળાની ઋતુ માટે વિવિધ ઉત્સવોનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે. અધિકારીનાં જણાવ્યા અનુસાર નવેમ્બર ૨૦૨૦માં ૬,૩૨૭ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી, જે હાલનાં આશરે ૧,૨૭,૦૦૦નાં આંકડા કરતા ઘણી ઓછી છે.
ડૉ જીએન ઈટુ, નિયામક, પ્રવાસન કાશ્મીરે જણાવ્યું હતું કે, “એલજીની સૂચના પર, અમે હાઉસબોટ ફેસ્ટિવલ, સૂફી ફેસ્ટિવલ જેવા કેટલાક પ્રતિષ્ઠિત ઉત્સવોનું આયોજન કર્યું છે જેમાં રાષ્ટ્રીય સ્તરની હસ્તીઓએ હાજરી આપી હતી અને સાહિત્યિક ઉત્સવ પણ સામેલ હતા. જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો હતો. તેથી જ વિશ્વભરનાં પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાત લેવાનું પસંદ કરે છે.
નવેમ્બરમાં લગભગ ૧,૨૭,૦૦૦ અને ઓક્ટોબરમાં લગભગ ૯૩,૦૦૦ પ્રવાસીઓ આવ્યા છે. છેલ્લા ૭ વર્ષમાં આ પ્રથમ વખત છે કે ઓક્ટોબર અને નવેમ્બરમાં આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે.
ઇટુએ વધુમાં જણાવ્યું હતું કે, આ કોવિડ-૧૯ની બીજી લહેર પછી પ્રવાસીઓને આકર્ષવા માટેનાં અન્ય પગલાની સાથે કાશ્મીરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે દેશમાં રોડ શો સહિતનાં જાેરદાર અભિયાનનું પરિણામ છે. “વિભાગે કોવિડ-૧૯ ની પ્રથમ લહેર પછી જાેરશોરથી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. અમે દેશમાં લગભગ ૨૧ રોડ શો કર્યા છે. જ્યારે બીજી લહેર દેશમાં આવી, ત્યારે અમે ટ્રસ્ટ તરીકે પ્રવાસ અને પ્રવાસી સમુદાયનાં તમામ સભ્યોને રસી આપી.HS