કોરોના કેસ વધી ૨૭ લાખ ઉપર: નવા ૫૫૦૦૦ કેસ
નવી દિલ્હી, ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૫૫ હજાર નવા કેસ નોંધાયા હતા. એ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૨૭ લાખથી પણ વધુ થયો હતો. આશ્ચર્ય એ વાતનું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં દેશના છ રાજ્યોમાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી. છેલ્લા ચોવીસ કલાકમાં ઓછામાં ઓછા છ રાજ્યોમાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નહોતું. અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડમાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નહોતું.
મિઝોરમમાં તો આજ સુધીમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી. છેલ્લા ૨૪ કલાકમાં કોરાનાગ્રસ્ત લોકોની સંખ્યામાં ૫૫૦૭૯નો વધારો થયો હતો જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો ૮૭૬નો નોંધાયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૨૭ લાખ ૨,૭૪૩ કેસ નોંધાયા હતા. એમાંના ૧૯ લાખ ૭૭ હજાર ૭૮૦ લોકો સાજા થઇને ઘેર પાછાં ફર્યા હતા. સમગ્ર દુનિયામાં કોરોનાગ્રસ્ત લોકોનો આંકડો બે કરોડ ૧૮ લાખના આંકડાને ઓળંગી ચૂક્યો છે અને અત્યાર સુધીમાં કોરોનાના કારણે મરણ પામેલા લોકોનો આંકડો પોણા આઠ લાખને આંબી ગયો હતો.
અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો પોણા બે લાખનો થયો હતો જ્યારે ભારતમાં કોરોનાના કારણે મરણ પામેલા લોકોનો આંકડો ૫૧,૭૯૭નો થયો હતો. સાઉથ કોરિયાની રાજધાની સોલમાં એક ચર્ચના પાદરી સહિત એક સાથે ૩૧૯ લોકો કોરોનાગ્રસ્ત બનતાં ખળભળાટ મચી ગયો હતો. ત્રણ હજાર લોકોને તત્કાળ ક્વોરંટાઇનમાં ખસેડવામાં આવ્યા હતા. પાદરી પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે એક રેલીમાં લોકોને ક્વોરંટાઇનના નિયમો તોડવા ઉશ્કેર્યા હતા.SSS