કોરોના ખતમ નહીં થાય ત્યાં સુધી અન્નને ગ્રહણ નહીં કરૂ
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ સરકારમાં નગર વિકાસ રાજ્યમંત્રી મહેશ ગુપ્તાએ ‘ભીષ્મ પ્રતિજ્ઞા’ લીધી હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે દેશમાં જ્યાં સુધી કોરોના મહામારી ખતમ નહીં થાય, ત્યાં સુધી તેઓ અન્ન ગ્રહણ કરશે નહીં. તેમણે જણાવ્યું કે છેલ્લા ૫ વર્ષથી તેઓ અન્ન ગ્રહણ કરતા નથી.
રાજ્યમંત્રી મહેશ ગુપ્તાએ જણાવ્યું કે તેમણે આતંકવાદના નાશ માટે અન્ન ગ્રહણ ન કરવાની પ્રતિજ્ઞા લીધેલી હતી. આજે તેનું જ પરિણામ છે કે દેશમાં આતંકવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે અને તેની કમર તૂટી છે.
રાજ્યમંત્રી મહેશ ગુપ્તાએ પીએમ મોદીને રાષ્ટ્રનાયક જ નહીં પરંતુ વિશ્વના નાયક પણ ગણાવ્યા. તેમણે કહ્યું કે મોદીએ બ્રાઝિલને સંજીવની આપી છે. અમેરિકા પણ પીએમ મોદીની નીતિઓનું કાયલ છે. બીજી લહેરમાં અમારા મુખ્યમંત્રી પોતે કોરોના સંક્રમિત થયા હોવા છતાં સતત પ્રદેશમાં મુલાકાતો કરી. તેમણે પોતાના જીવનની પરવા ન કરી અને પ્રદેશની જનતાના પ્રાણોની રક્ષા માટે પોતાનું બધુ દાવ પર લગાવી દીધુ.
મહેશ ગુપ્તાએ કહ્યું કે આજે તેમની જ તપસ્યાનું ફળ છે કે યુપી વિકરાળ થઈ ચૂકેલી કોરોનાની બીજી લહેરને સંભાળી શક્યું. કોરોનાની ત્રીજી સંભવિત લહેરને જાેતા પ્રદેશ સંપૂર્ણ રીતે તૈયાર છે. બાળકો માટે અલગ વોર્ડ તૈયાર કરાયા છે. તમામ જરૂરી મશીનો લગાવવામાં આવ્યા છે.
રાજ્યમંત્રી મહેશ ગુપ્તાએ કહ્યું કે બીજા દેશોની સરખામણીમાં પીએમ મોદી અને સીએમ યોગીએ વૈશ્વિક મહામારીને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી. પરંતુ હવે જ્યારે ત્રીજી લહેરની વાત થઈ રહી છે, તેના માટે પૂરી તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ હું પ્રાર્થના કરું છું કે ત્રીજી લહેર આપણા ભારત અને યુપીમાં આવે જ નહીં.
આથી મે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે કે આ કોરોના નામનો શત્રુ મારા પ્યારા ભારતથી, સમગ્ર વિશ્વમાંથી જ્યાં સુધી નષ્ટ ન થઈ જાય ત્યાં સુધી અન્ન ગ્રહણ કરીશ નહીં.