કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ બ્રાન્ડ ફેક્ટરી – રિલાયન્સ ડીજીટલ સીલ કરાયું
અમદાવાદ, કોરોનાના સંક્રમણ ને અટકાવવા માટે સરકાર ઘ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો અમલ ન થતા મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે બ્રાન્ડ ફેક્ટરી સહિત ત્રણ યુનિટ ને સીલ કર્યા છે જયારે સોશિયલ ડિસ્ટન્સના કારણોસર ટોરેન્ટ બિલ કલેકશન સેન્ટરને દંડ કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનો અમલ ન થવાના કારણોસર પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલ રિલાયન્સ ડિઝિટલ ને સીલ કર્યું છે. જયારે સોશિયલ ડિસ્ટન્સ ન જળવતા શાહઆલમ વિસ્તારમાં કાર્યરત બ્રાન્ડ ફેક્ટરી ને સીલ મારવામાં આવ્યું છે. કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થવા બદલ મણિનગરના એનરીચ હેર એન્ડ સ્કીન ને પણ સીલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. સોશિયલ ડિસ્ટન્સ ના કારણોસર સૈજપુર વિસ્તારમાં ટોરેન્ટ બીલ કલેક્શન સેન્ટર ને રૂપિયા 4 હજારનો દંડ કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગ ઘ્વારા ગાઈડલાઈન ભંગના કારણોસર સોમવારે આલ્ફા વન મોલ ને સીલ કરવામાં આવ્યો હતો. જયારે મંગળવારે મેકડોનાલ્ડ અને સેવીયર ફાર્મા કંપનીને સીલ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગ ઘ્વારા સરખેજ વોર્ડમાં આવેલ સીનર્જી બિલ્ડીંગ માં કાર્યરત સેવીયર ફાર્માસ્યુટિકલ કંપનીને સીલ કરવામાં આવી છે. કંપનીના કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના કામ કરતા હોવાથી તેને સીલ કરવામાં આવી છે. જયારે મેમનગર વિસ્તારમાં આવેલ મેકડોનાલ્ડને પણ સોસિયલ ડિસ્ટન્સ અને માસ્કના કારણોસર સીલ કરી નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં જણાવ્યા મુજબ યુનિટમાંમાં કામ કરતા કર્મચારીઓ અને ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નહતા તેમજ માસ્કનો ઉપયોગ પણ કરવામાં આવતો નહતો.