કોરોના જશે ત્યાં સુધીમાં દેશની અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશેઃ પૂર્વ RBI ગવર્નર

નવી દિલ્હી, રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું માનવું છે કે દેશની જીડીપીના આંકડાઓથી તમામ લોકોએ ચેતવવું જોઈએ. રાજને પોતાના લિંક્ડઈન પેજ પર એક પોસ્ટમાં લખ્યું કે, જ્યારે ઈનફોર્મલ સેક્ટરના આંકડા જોડવામાં આવશે તો ઈકોનોમીમાં 23.9 ટકાનો ઘટાડો જોવા મળશે અને તેનાથી અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશે. ભારતીય અર્થવ્યવસ્થાને અમેરિકા અને ઈટાલી કરતા પણ વધારે નુકશાન થયું છે. કોરોના મહામારીની સૌથી વધારે અસર નુકશાન આ બંને દેશોને પહોંચ્યું છે.
પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે જ્યાં સુધી કોરોના વાયરસની મહામારી પર સંપૂર્ણ રીતે કાબુ મેળવવામાં આવશે ત્યાં સુધીમાં ભારતમાં વિવેકપૂર્ણ ખર્ચાની સ્થિતિ નબળી બની જશે. સરકારે અત્યાર સુધીમાં જે રાહત આપી છે, તે પૂરતી નથી. સરકાર ભવિષ્યમાં પ્રોત્સાહન પેકેજ આપવા માટે આજે સંસાધનોને બચાવવાની રણનીતિ પર ચાલી રહી છે જે આત્મઘાતી છે. સરકારી અધિકારી વિચારી રહ્યા છે કે કોરોના વાયરસની મહામારી પર પૂર્ણ કાબુ મેળવી લીધા બાદ તેઓ જનતાને રાહત પેકેજ આપશે, તેઓ પરિસ્થિતિની ગંભીરતાને નથી સમજી રહ્યા. આ મહામારી પર પૂર્ણ કાબુ મળશે ત્યાં સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાને ખૂબ જ નુકશાન પહોંચી જશે.
રઘુરામ રાજનનું કહેવું છે કે જો તમે અર્થવ્યવસ્થાને એક દર્દી તરીકે જોશો તો તમને ખ્યાલ આવશે કે તેને સતત સારવારની જરૂર છે. રાહત વગર લોકો ખાવાનું છોડી દેશે, તેઓ બાળકોને શાળામાંથી ઉપાડી લેશે અને તેમને કામ કરવા અથવા તો ભીખ માગવા માટે મોકલી દેશે. દેવું લેવા માટે પોતાનું સોનું ગિરવી મુકી દેશે, ઈએમઆઈ અને મકાનના ભાડા સતત વધતા રહેશે. આવી જ રીતે રાહતના અભાવમાં કંપનીઓ પોતાના કર્મચારીઓને પગાર નહીં આપી શકે અને તેમનું દેવું પણ વધતું જશે અને અંતમાં તેઓ બંધ થઈ જશે.