કોરોના જાગરૂકતા માટે દરરોજ એક કલાક આપો
નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીના વધી રહેલા પ્રકોપ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશોના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રીએ આ રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે કોરોનાના ૬૩ ટકા એક્ટિવ કેસ આ સાત રાજ્યોમાં છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ૭૦૦થી વધારે જિલ્લા છે પણ કોરોનાના જે મોટા આંકડા છે તે ફક્ત ૬૦ જિલ્લામાં છે. તે પણ ૭ રાજ્યોમાં. મુખ્યમંત્રીઓને સલાહ છે કે તે એક ૭ દિવસનો કાર્યક્રમ બનાવે અને દરરોજ ૧ કલાક આપે.
વર્ચ્યુઅલ રીતે એક જિલ્લાના ૧-૨ લોકો સાથે સીધી વાત કરો. સંયમ, સંવેદના, સંવાદ અને સહયોગનું જે પ્રદર્શન આ કોરોના કાળમાં દેશે બતાવ્યું છે તેને આપણે આગળ પણ જારી રાખવાનું છે. આ બેઠકમાં શિયાળાના મહિનામાં થતા વાયુ પ્રદુષણ અને તેના પરિણામ સ્વરૂપ કોવિડ ૧૯ પર ફેફસા પર તેના પ્રભાવ ઉપર પણ ચર્ચા થઈ હતી.
મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી સાથે થયેલી બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ૩૦ સપ્ટેમ્બરે અનલોક ૪ના ખતમ થયા પછી કોરોના પ્રસારને રોકવા માટે કયા-કયા પગલાં ઉઠાવ્યા તે ઉપર પણ ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ રાજ્યોમાં પ્રભાવી મેસેજિંગ પણ જરૂરી છે
કારણ કે કોવિડ-૧૯ના વધારે મામલામાં કોઈ લક્ષણો જોવા મળતા નથી. આવામાં અફવાઓમાં ઝડપ આવી શકે છે. આ લોકોના મનમાં શંકા ઉભી કરી શકે કે ટેસ્ટિંગ ખોટા થઈ રહ્યા છે. કેટલાક લોકો સંક્રમણની ગંભીરતા ઓછી આંકવા માટે ભૂલ પણ કરી શકે છે.