કોરોના ટેસ્ટીંગમાં નોંધપાત્ર ઘટાડોઃ કેસ ઘટાડવાનો કારસો?
સેન્ટર દીઠ માત્ર પ૦થી ૭પ કીટ મોકલવામાં આવે છે
અમદાવાદ, અમદાવાદ શહેર કોરોનાનું હોટસ્પોટ બની રહયુ છે. શહેરમાં છેલ્લા એક મહીનામાં ૮૦ હજાર કરતા વધુ પોઝીટીવ કેસ કન્ફર્મ થયા છે. જેના કારણે આરોગ્ય સેવા ભાંગી પડી છે. દર્દીઓ હજી પણ દાખલ થવા માટે દોડી રહયા છે. ધન્વંતરી હોસ્પીટલ પર નાગરીકોને આશા હતી
પરંતુ તેના ઉપર પણ પાણી ફરી વળ્યા છે. નાગરીકોને સમયસર સારવાર આપી ન શકતા તંત્ર એ અગમ્ય કારણોસર ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો કર્યો છે. તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલા ડોમ અને અર્બન હેલ્થ સેન્ટરો પર કોરોના ટેસ્ટ કરાવવા લાંબી લાઈનો લાગે છે પરંતુ કીટ ના અભાવે ટેસ્ટ પણ થતા નથી જેના પરીણામે “સાયલેન્ટ સ્પ્રેડર” વધી શકે છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
શહેરમાં કોરોનાની પ્રથમ લહેર બાદ તંત્ર દ્વારા ઠેર ઠેર રેપીડ ટેસ્ટ માટે ડોમ ઉભા કરવામાં આવ્યા હતા તેમજ સોસાયટી- ચાલીઓમાં જઈને નાગરીકોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા હતા તે સમયે વધુ ટેસ્ટ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો જયારે હાલ છેલ્લા કેટલાક દિવસોથી ઓછા ટેસ્ટ કરવા કારસો રચવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહયા છે.
શહેરમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા નાગરીકો વહેલી સવારથી ટેસ્ટીંગ ડોમ કે અર્બન સેન્ટરો પર લાઈનમાં ઉભા રહે છે તેમ છતાં તેમના ટેસ્ટ થતા નથી જેનુ મુખ્ય કારણ ટેસ્ટીંગ કીટનો અભાવ છે. સુત્રોએ જણાવ્યા મુજબ તંત્ર દ્વારા ઓછી સંખ્યામાં ટેસ્ટીંગ કીટ મોકલવામાં આવે છે. અર્બન સેન્ટરો પર રોજ પ૦ અને ડોમ પર રોજ ૭પ કીટ જ આપવામાં આવે છે
જેની સામે ટેસ્ટ કરાવવા આવનારની સંખ્યા ચારથી પાંચ ગણી વધારે હોય છે તેથી ડોમ પર વહેલા તે પહેલાના ધોરણે ટોકન આપવામાં આવી રહયા છે. અર્બન સેન્ટરો પર તો બપોરે ૧ર વાગ્યા સુધી પ૦ રેપીડ ટેસ્ટ થયા બાદ ટેસ્ટીંગ બંધ કરવામાં આવે છે. જયારે ડોમ પર બપોર બાદ પણ ટેસ્ટીંગ થતા હતા
પરંતુ કીટ ના અભાવે હાલ તે પણ બંધ હોવાની ફરીયાદો બહાર આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે કોરોના પોઝીટીવ દર્દી ૧૪ દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરાવવા જાય છે તો ફરજ પરના સ્ટાફ દ્વારા સ્પષ્ટ ના પાડવામાં આવી રહી છે.
મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે કોરોના કેસની સંખ્યા ઓછી દર્શાવવા માટે ટેસ્ટીંગ ઘટાડવામાં આવી રહયા છે. શહેરીજનો એક મહીનાથી આરોગ્ય સેવા માટે વલખા મારી રહયા છે પરંતુ હજી સુધી પુરતી સુવિધા ઉપલબ્ધ થઈ નથી.
હાઈકોર્ટમાં જવાબ આપવાનો હોવાથી ધન્વંતરી હોસ્પીટલનું ઉદ્ઘાટન કર્યુ હતુ પરંતુ તેમાં દર્દીઓને એડમીટ કરવા માટે ટોકન સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. કોરોના એ કોઈ સામાન્ય બિમારી નથી કે તેમાં દર્દી ટોકન લઈને ઘરે જાય ત્યારબાદ બેડ ખાલી થાય એટલે ફોન કરવામાં આવે અને દાખલ કરવામાં આવે.
કોરોનાની સારવારમાં આટલો વિલંબ જીવલેણ પુરવાર થઈ શકે છે તે બાબત સત્તાધીશો અને અધિકારીઓ ભલી- ભ્રાંતિ જાણે છે તેમ છતાં યોગ્ય પગલા લેવામાં આવતા નથી. કોરોના ટેસ્ટ માટે પણ દર્દીને બે-ત્રણ દિવસ ધક્કા ખાવા પડે છે તેમજ ટેસ્ટીંગ વિના નાગરીકો પરત જઈ રહયા છે તે અત્યંત શરમજનક બાબત છે.