Western Times News

Gujarati News

કોરોના થયા પહેલાંની આગોતરી જાણકારી જ તેનું મારણ છે – નિષ્ણાત તજજ્ઞો

‘પ્રેસ ડે’ના ઉપક્રમે પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અને પ્રેસ અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે વેબિનાર યોજાયો

કોરોના કાળમાં લોકોના બેજવાબદાર વલણને સુધારવાનું કે તેને સકારાત્મક દિશામાં વાળવાનું કામ મીડિયા બખૂબી કરી શકે છે

– ગાંધીનગર સિવિલના ડો. સેસિલ પરમાર

જવાબદારી, જાણકારી, જીજ્ઞાસા, જહેમત અને જનૂનના પાંચ ’જ’ મંત્રને ધ્યાનમાં રાખવાથી અખબારી લેખનની ગહનતા અને વાંચન વિશાળતા વધશે

-પ્રેસ અકાદમીના સચિવશ્રી પુલકભાઇ ત્રિવેદી

‘પ્રેસ ડે’ના ઉપક્રમે પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અને પ્રેસ અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘કોવિડ કાળમાં મીડિયાની ભૂમિકા અને મીડિયા પર તેની અસરો’ પર તજજ્ઞ વક્તાઓ દ્વારા રસપ્રદ વાર્તાલાપ આ વેબિનારમાં કરવામાં આવ્યો હતો.

વર્ષઃ ૧૯૬૬માં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. તેની સ્થાપનાના ઉપલક્ષ્યમાં પ્રતિવર્ષ ‘પ્રેસ ડે’ નું આયોજન દેશભરમાં કરવામાં આવે છે. પ્રતિવર્ષ સેમિનારનું આયોજન કોઈ હોલ કે જાહેર જગ્યા પર પત્રકાર કે પત્રકારત્વના વિદ્યાર્થીઓને એક જગ્યા પર એકત્ર કરીને કરવામાં આવે છે. પરંતુ વર્તમાન કોરોનાની સ્થિતિમાં સોશિયલ ડીસ્ટન્સિંગ જળવાય તથા એકસાથે વધુ લોકોને સાંકળી શકાય તેવા ઉદ્દેશથી ટેક્નોલોજીના સમન્વયથી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર સિવિલના ડો. સેસિલ પરમાર કે જેમણે કોરોનામાં મેડિસિનના કોમ્બિનેશનનો પ્રયોગ કર્યો હતો તેમણે કહ્યું કે, કોરોના ફેફસાં, કીડની અને હાથ-પગની નસોને પણ નુકસાન કરે છે. ત્યારે લોકો કોરોનાને ગંભીતાથી લે તે જરૂરી છે.

તેમણે કહ્યું કે, કોરોના ગંભીર છે, તેના કરતા લોકોની બેજવાબદારી કે બેજવાબદાર પૂર્વકાનું વલણ વધુ જવાબદાર છે. આવા વલણોને સુધારવાનું કે તેની કે તેને સકારાત્મક દિશામાં વાળવાનું કામ મીડિયા બખૂબી કરી શકે છે. લોકો પાસે સંસાધનોની માહિતી પહોંચે તો લોકોની માનસિક તાણમાં પણ ઘટાડો થશે.

તેમણે કહ્યું કે, કોરોના વિશેની સમજણ જેટલી લોકોમાં વધશે તેટલી જ તેની તિવ્રતા ઘટશે. ચેતતા નર સદા સુખીના ન્યાયે કોરોના બાબતે નિષ્કાળજી ભયંકર પરિણામ લાવી શકે છે.

તેમણે વેબિનારમાં પૂછાયેલાં માનસિક તાણ વિશેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે, લોકોમાં જેટલી કોરોના વિશેની જાગૃતિ હશે તેટલો જ કોરોનાનો હાઉ ઓછો થશે અને તેની માનસિક તાણમાં પણ ઘટાડો થશે.

પ્રેસ અકાદમી, ગાંધીનગરના સચિવશ્રી અને માહિતી ખાતાના અધિક માહિતી નિયામકશ્રી પુલકભાઈ ત્રિવેદીએ ‘પ્રેસ ડે’ ની શુભકામના પાઠવતા વેબનારની શરૂઆત કરાવતાં જણાવ્યું કે, ‘પ્રેસ ડે’ ની ઉજવણી પ્રેસની આઝાદી અને પ્રેસના ઉત્તરદાયિત્વને પ્રતિધ્વનિત કરે છે.

તેમણે કહ્યું કે, કોરોનાથી સમગ્ર વિશ્વ પ્રભાવિત છે, તેનાથી મીડિયા પણ બાકાત નથી. મીડિયા સમાજને જાગૃત કરવાનું સશક્ત અને સબળ માધ્યમ છે, ત્યારે કોરોનાના આ સમયમાં મીડિયાની જવાબદારી વિશેષ વધી જાય છે.

જવાબદારીપૂર્વકના અખબારી લેખન વખતે જો જવાબદારી, જાણકારી, જીજ્ઞાશા, જહેમત અને જનૂનનું ધ્યાન રાખવામાં આવે તો લખાણની ગહનતા અને ઊંડાણ વધવા સાથે વાંચનની વિશાળતા પણ ચોક્કસ વધી જાય છે તેમ પાંચ ‘જ’ નો મંત્ર આપતા તેમણે કહ્યું કે, પત્રકાર તરીકે સામાન્ય માણસ કરતા વધુ સજ્જતા, સમાજ માટેની સંવેદનશીલતા, ખંતથી મહેનત સાથેની વિશ્લેષણયુક્ત માહિતીથી લોકોને વધુ જાગૃત કરવા માટે પત્રકારોની કોરોનાના આ સમયગાળામાં ખૂબ જરૂર છે.

તેમણે ઉમેર્યું કે, કોરોના થાય તો શું કરવું? તેની સારવાર ક્યાં થઈ શકશે? વગેરે પ્રશ્નો વિશેની સ્ત્રોત સાથેની માહિતી સમાજ સમસ્ત સુધી પહોંચે તે માટે આધારભૂત માહિતી, જરૂરી ડેટા, સંદર્ભ અને ચાર્ટ સાથેની માહિતી સમાજને મળે તો તે ખૂબ ઉપયોગી બની શકે તેમ છે.

આ સમયગાળામાં પત્રકારત્વ જગત સાથે માહિતી ખાતાના કર્મયોગીઓએ પણ પોતાની જાતની પરવા કર્યા સિવાય જે કામથી કર્મયોગ કર્યો છે કે તેની તેમણે સરાહના કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.