Western Times News

Gujarati News

કોરોના થયો હોવાનું કહીને પત્નીને ઘરમાંથી કાઢી મુકી

Files Photo

આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ચોંકાવનારી ફરીયાદઃ વડોદરા સાસુની સેવાચાકરી કરતી પરિણીતાને હોસ્પીટલમાં ચેપ લાગતા બિમાર પડી હતી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસને પગલે મોદી સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી ત્યારબાદ અનલોકનો અમલ કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં લાંબા સમય સુધી લોકડાઉન રહેતા લોકો ઘરમાં જ રહ્યા હતા. અને સ્વેચ્છીક રીતે જાગૃત બનીને કોરોના સામેની લડાઈમાં જાડાયા હતા. પરંતુ આ પરિસ્થિતિમાં  ગુજરાત સહિત દેશભરમાં ઘરેલું હિંસાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ ગયો છે. અને તેની અસર આજે પણ જાવા મળી રહી છે.

આવી સંખ્યાબંધ ફરીયાદો સંબંધિત વિભાગોને મળતા અનેક કિસ્સાઓમાં સમાધાન કરાવવામાં આવ્યુ છે. આ દરમ્યાન અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારી ફરીયાદ નોંધાઈ છે જેમાં હોસ્પીટલમાં સારવાર લઈ રહેલી સાસુની સેવા ચાકરી કરતી પુત્રવધુને ઈન્ફેકશન લાગતા માંદી પડી હતી જેના કારણે પતિએ તેને કોરોના થયો હોવાનો આક્ષેપ કરી બાળકો સાથે કાઢી મુકી અને મારઝુડ કરતા સનસનાટી મચી જવા પામી છે. આનંદનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ચોંકાવનાર કિસ્સાની વિગત એવી છે કે લોકડાઉન દરમ્યાન અમદાવાદ શહેરમાં ઘરેલું હિંસાની ઘટનાઓ બની રહી છે. આ દરમ્યાન શહેરના આનંદનગર વિસ્તારમાં રેડીયો મિર્ચી રોડ ઉપર આવેલા સ્મિતા  એપાર્ટમેન્ટમાં ધવલભાઈ ઓઝા નામનો યુવક તેની પત્ની અને બાળકો સાથે રહે છે. ધવલભાઈના લગ્ન ર૦૧૦માં થયા હતા.  ધવલભાઈ પોતે વડોદરા રહેતા અને તેના લગ્ન મેઘાબેન નામની યુવતિ સાથે થયા હતા. લગ્ન થયા ત્યારે મેઘા પોતે નોકરી કરતી હતી.

ત્યારબાદ પતિ-પત્ની બંન્ને અમદાવાદ સ્મિતા  એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા હતા. જ્યારે ધવલભાઈના માતાપિતા વડોદરા રહેતા હતા.ધવલ અને મેઘા અમદાવાદ રહેવા આવતા રહેતા ધવલભાઈના માતા-પિતા તથા તેની બહેન અવારનવાર અમદાવાદ આવતા હતા. આ દરમ્યાન તેઓ મેઘા સાથે બોલાચાલી કરી વાતાવરણ બગાડતા હતા.

તેમ છતાં મેઘા સાસરીયાઓનો ત્રાસ સહન કરતી હતી. આ દરમ્યાન ર૦૧૬ના વર્ષમાં ધવલ દુબઈ કામધંધા માટે ગયો હતો. ધવલ પોતે સિવિલ એન્જીનિયર તરીકે કામ કરે છે અને દુબઈમાં પણ બે વર્ષ સુધી રહ્યા બાદ ર૦૧૬ના વર્ષમાં તે પરત અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદમાં તે મેઘા સાથે રહેતો હતો. ધવલ અવારનવાર મેઘા સાથે ઝઘડો કરતો હતો. પતિ-પત્ની વચ્ચે અણબનાવ રહેતો હતો.

અગાઉ લગન સમયે મેઘા નોકરી કરતી હતી તેનો સંપૂર્ણ પગાર ધવલ પોતાના ખાતામાં જમા કરાવી દેતો હતો. આ રકમ પ લાખ કરતા પણ વધુ થાય છે. આ રૂપિયા મેઘા માંગતી તો ધવલ તેની સાથે ઝઘડો કરતો હતો. આ દરમ્યાન અમદાવાદ સહિત દેશભરમાં લોકડાઉન જાહેર થતાં પતિ ધવલ પોતાના માતા-પિતાને ત્યાં વડોદરા ગયો હતો.

ધવલે વડોદરાથી તા.૩-પ-ર૦ના રોજ મેઘાને જણાવ્યુ હતુ કે તેની માતા એટલે કે મેઘાની સાસુને એટેક આવ્યો છે જેથી તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેથી મેઘા તાત્કાલીક વડોદરા પહોંચી ગઈ હતી અને ત્યાં હોસ્પીટલમાં રહી સાસુની સેવાચાકરી કરવા લાગી હતી. સતત હોસ્પીટલમાં રહેવાથી તેને પણ ઈન્ફેકશન લાગ્યુ હોવાથી તે બિમાર પડવા લાગી હતી.

સાસુની સેવા-ચાકરી કરતા બિમાર પડેલી મેઘાને તેના પતિ ધવલે કોરોના જેવી બિમારી થઈ હોવાનો આક્ષેપ કરી કાઢી મુકી હતી. અને રૂપિયા પણ આપ્યા નહોતા. જેના પરિણામે માનસિક રીતે તૂટી પડેલી મેઘા અમદાવાદ આવી પહોંચી હતી અને તે પોતાના સ્મિતા એપાર્ટમેન્ટ ખાતે બાળકો સાથે રહેતી હતી. આ દરમ્યાનમાં મેઘાએ ધવલને ફોન કરતાં ધવલે તેને છૂટાછેડાની ધમકી આપી બોલાચાલી કરી હતી અને બાળકો પણ મારે જાઈતા નથી એવું જણાવ્યુ હતુ. જેના પરિણામે મેઘા ખુબ જ વ્યથિત બની ગઈ હતી. વગર પૈસે બાળકોનું ભરણપોષણ કરવાની જવાબદારી આવી પડી હતી. આ દરમ્યાનમાં તેને શારીરિક પરિસ્થિતિ  પણ સારી નહોતી.

મેઘા બાળકો સાથે જેમ તેમ કરીને દિવસો પસાર કરતી હતી આ દરમ્યાનમાં પતિ ધવલે ધમકી આપી હતી કે તું જે મકાનમાં રહે છે તે મકાન મારા નામનું છે અને તે મકાન પણ ખાલી કરીને જતી રહે. આ ધમકીથી મેઘા ખુબ જ દુઃખી થઈ ગઈ હતી. પતિની ધમકી બાદ તે બાળકોના ભવિષ્યને લઈને પણ ખુબ જ દુઃખી જણાતી હતી.  પતિ ધવલ ધમકી આપ્યા બાદ અમદાવાદ આવ્યો હતો અને સ્મિતા એપાર્ટમેન્ટનું મકાન ખાલી કરવા માટે ફરી વખત ધમકી આપી બોલાચાલી કરી હતી અને તેને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

મેઘા પર ચારેબાજુથી મુસીબતો આવી જતાં તેણે આખરે હિંમત કેળવી હતી અને પોતાના સંતાનોના ભવિષ્ય માટે આખરે પોલીસ ફરીયાદ કરવાનું નક્કી કર્યુ હતુ. મેઘાએ આનદનગર પોલીસ સ્ટશને પહોંચી જઈને સમગ્ર હકીકત જણાવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અને તાત્કાલિક આ અંગે પતિ ધવલ, સાસુ રંજનબેન, નણંદ-હિરલ અને નણદોઈ પરેશભાઈ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.