કોરોના દર્દીને જરૂર પડવા પર બે કલાકની અંદર તેમના ઘર સુધી ઓક્સિજન કન્સન્ટ્રેટર પહોંચાડવામાં આવશે
નવીદિલ્હી: દિલ્હીમાં ઓક્સિજનને લઈને મચેલા ધમાસાનની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટુ એલાન કર્યું છે. તેમણે જણાવ્યું કે આજથી અમે દિલ્હીમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર બેન્કની જરૂરી સેવા શરૂ કરી રહ્યા છીએ. કોરોના દર્દીઓને સમય પર ઓક્સિજન મળવો ખૂબ જરૂરી છે. તેના દ્વારા આપણે વધુ જીવ બચાવી શકીએ છીએ.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહેલા કોઈ પણ કોરોના દર્દીને જરૂર પડવા પર બે કલાકની અંદર તેમના ઘર સુધી ઓક્સિજન કન્સન્ટ્રેટર પહોંચાડવામાં આવશે. દરેક જિલ્લામાં ૨૦૦ ઓક્સિજન કન્સન્ટ્રેટરની બેન્ક બનાવવામાં આવી છે.
જેમને ઓક્સિજન કન્સન્ટ્રેટર આપવામાં આવશે તેમના સંપર્કમાં ડોક્ટર સતત રહેશે. સાજા થયા બાદ ઓક્સિજન કન્સન્ટ્રેટર પરત કરવાનું રહેશે. ત્યાર બાદ તેને સેનેટાઈઝ કરી કોઈ બીજા દર્દીને આપવામાં આવશે. ૧૦૩૧ પર કોલ કરીને પણ તમે હોમ આઈસોલેશન ઓક્સિજન કન્સન્ટ્રેટરની ડિમાન્ડ કરી શકો છો.
દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે કોરોનાના કેસ ૬૫૦૦ આવ્યા છે જે ગઈકાલે ૮૫૦૦ હતા. સંક્રમણ દર ૧૨થી ઘટીને ૧૧ થઈ ગયો છે. ત્યાં જ કાલે વધુ ૫૦૦ આઈસીયુ બેડ બનીને તૈયાર થઈ ગયા છે. હમણાં થોડા દિવસો પહેલા જ ૫૦૦ આઈસીયૂ બેડ તૈયાર થયા છે.
તેમણે જણાવ્યું કે ૧૫ દિવસમાં આઈસીયુના ૧૦૦૦ બેડ તૈયાર થઈ ગયા છે. તેનો શ્રેય ડોક્ટર અને એન્જીન્યરને જાય છે. તે બધાને દિલ્હીના લોકો તરફથી સલામ, તેમનો કોટી-કોટી ધન્યવાદ. મુખ્યમંત્રીએ આગળ જણાવ્યું કે આજે આપણે વધુ એક જરૂરી સેવા શરૂ કરી રહ્યા છીએ. અમે ઓક્સિજન કન્સન્ટ્રેટર બેન્ક શરૂ કરી રહ્યા છીએ.