કોરોના પર લગામ માટે લોકડાઉન લાદવા સુપ્રીમની કેન્દ્રને સલાહ
નવી દિલ્હી: દેશભરમાં હાલના દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે હાહાકાર મચી ગયો છે. દરરોજ લગભગ ૪ લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. જેથી દેશની હાલની સ્થિતિનો સામનો કરવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અનેક મહત્ત્વના સૂચનો કર્યા છે. સુપ્રીમ કોર્ટે વાયરસના સંક્રમણ પર લગામ કસવા માટે લૉકડાઉનની સલાહ આપી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે વેક્સીનની ખરીદવાની પોલિસીને ફરીથી રિવાઇઝ કરવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે જાે આવું નહીં કરવામાં આવે તો સાર્વજનિક સ્વાસ્થ્યના અધિકારમાં અડચણ ઉત્પન્ન થશે જે બંધારણના આર્ટિકલ ૨૧નું એક અભિન્ન અંગ છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો કે, હાલની સ્થિતિમાં રાજ્ય સરકારોએ ઓક્સિજન પહોંચાડવા આગામી ચાર દિવસમાં રોજેરોજનો ઈમર્જન્સી સ્ટોક તૈયાર કરવો. આ સાથે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે, કોરોના દર્દીઓ પાસે રહેણાકનો પુરાવો ના હોય, તો પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સરકારો તેમને ભરતી કરવાની કે જરૂરી દવા આપવાની ના નહીં પાડે. આ મુદ્દે કેન્દ્ર આગામી બે સપ્તાહમાં હોસ્પિટલમાં દર્દીને ભરતી કરવાની રાષ્ટ્રીય નીતિ બનાવે, જેનો તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોએ અમલ કરવાનો રહેશે.
દેશમાં વધતા સંક્રમણનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વર્તમાન લહેર કાબુમાં રાખવાની યોજના બનાવવાનું પણ સૂચન કર્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લૉકડાઉનની સામાજિક-આર્થિક અસરોની નબળા વર્ગ પર શું અસર થશે, તેનાથી અમે વાકેફ છીએ. આમ છતાં, લૉકડાઉન કરવું પડે, તો આ વર્ગની તમામ જરૂરિયાતો પૂરી કરવા યુદ્ધ સ્તરે તૈયારી કરો.
ગત મહિને ૨૦ એપ્રિલે કેન્દ્ર સરકારે વેક્સીનની ખરીદીને લઈને નવી રિવાઇઝ પોલિસીની જાહેરાત કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે હવે તેઓ માત્ર ૫૦ ટકા જ વેક્સીનની ખરીદી કરશે, જ્યારે બાકી બચેલી ૫૦ ટકા વેક્સીન હવે સીધી રાજ્ય અને પ્રાઇવેટ કંપની મોંઘા દરે ખરીદી શકશે. પરંતુ સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ભલામણ કરી છે કે વેક્સીનની ખરીદીને કેન્દ્રીકૃત કરવી જાેઈએ, અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વિતરણને વિકેન્દ્રીકૃત કરવી જાેઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો, બંનેને આગામી ૬ મહિના માટે વેક્સીન સ્ટોકની હાલની અને અનુમાનિત ઉપલબ્ધતા વિશે જાણકારી આપવા માટે કહ્યું છે.
રસીની કિંમત નિર્ધારણમાં હસ્તક્ષેપ ન કરવા માટે કેન્ર્ ની દલીલોનો ઉલ્લેખ કરતાં કોર્ટે સ્પષ્ટીકરજ્ઞ માંગ્યું કે શું કોઈ બીજા વિકલ્પ પર વિચાર કરવામાં આવ્યો હતો જેથી રસીકરણ અભિયાનને ઝડપી બનાવી શકાય.