કોરોના પોઝિટિવિટી રેટમાં ગુજરાતની સ્થિતિ સારી
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, કેરળ અને ગોવા સહિતના રાજ્યો હોટસ્પોટ સાબિત થઈ રહ્યા છે, કારણ કે અહીંનો પોઝિટિવિટી રેટ (પ્રતિ ૧૦૦ કોરોના ટેસ્ટ પર આવતા પોઝિટિવ કેસનો આંકડો) ૧૦%થી લઈને ૧૫%થી વધુ રહેતો હોય- આ ગણતરી પાછલા ૨ પખવાડિયા (૧૪ દિવસમાં) દરમિયાન સામે આવી જેમાં ૨૬ ઓક્ટોબરથી ૮ નવેમ્બર અને ૮થી ૨૧ નવેમ્બર દરમિયાન કરાયેલા ટેસ્ટ પરથી પોઝિટિવિ રેટ નક્કી કરાયો જેમાં ભારતનો કુલ પોઝિટિવિટી રેટ પહેલા ૧૪ દિવસ દરમિયાન ૪.૩% અને બીજામાં ૪.૧% રહ્યો છે.
જ્યારે ગુજરાતમાં આ રેટ નેશનલ રેટ કરતા ઘણો નીચો છે. ઓક્ટોબર ૨૬થી ૮ નવેમ્બર દરમિયાન ગુજરાતમાં પોઝિટિવિટી રેટ ૧.૯% જ્યારે બીજા પખવાડિયે (૮થી ૨૧ નવેમ્બર) ૨.૨% રહ્યો છે. દિવાળીના તહેવારોમાં લગભગ તમામ રાજ્યોમાં આ રેટ ઊંચો આવ્યો હતો. પોઝિટિવિટી રેટ ઊંચો જાય એનો મતલબ છે કે કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, આ સાથે ટેસ્ટની સંખ્યા વધારવાની જરુરી પડે છે. કેરળ, ગોવા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પાછલા મહિના કરતા કેસમાં ઘટાડો નોંધાયો છે પરંતુ તે હજુ પણ રેડ ઝોનમાં છે.
મહારાષ્ટ્રનો પોઝિટિવિટી રેટ ૮% પર પહોંચ્યો છે જે દર્શાવે છે કે રાજ્યમાં ઘણો સુધાર આવ્યો છે. પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં કન્ફર્મ કેસની સંખ્યા ઘટી છે પરંતુ અહીં પોઝિટિવિટી રેટ ૭-૮% જેટલો છે. ડબલ્યુએચઓનું માનવું છે કે જો ૧૪ દિવસથી વધારે સમય સુધી પોઝિટિવિટી રેટ ૫%થી વધુ હોય તો રાજ્ય રેડ ઝોનમાં આવે છે. વધારે કેસ સામે આવવાનું બીજુ પણ કારણ હોઈ શકે છે કે ત્યાં જરુર પ્રમાણમાં ટેસ્ટ કરવામાં નથી આવી રહ્યા.
જેના કારણે રાજ્યમાં મૃત્યુઆંકમાં વધારો થાય છે. ટેસ્ટ કરીને કોરોનાના દર્દીઓને ઓળખવા તે રોગને વધારે ફેલાતો અટકાવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પંજાબ, તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા અને કર્ણાટકમાં સારી પ્રગતિ થઈ છે, અહીં પોઝિટિવિટી રેટ ૪% કરતા નીચો રહ્યો છે. ગુજરાતમાં પણ પોઝિટિવિટી રેટ ઘણો નીચો છે પરંતુ પાછલા કેટલાક સમયથી અહીં કેસમાં ઉછાળો દેખાતા તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન અને તે પછી કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો જેમાં ગુજરાતમાં ૦.૩%નો ઉછાળો નોંધાયો છે.