કોરોના બાદ લાંબા સમય સુધી શરીરમાં એન્ટીબોડી રહે છે
પુણે: એકવાર કોરોના થઈ ગયા બાદ બીજીવાર તેનો ચેપ લાગવાનું જાેખમ કેટલું રહે છે તે અંગે હાલમાં થયેલા સંશોધનમાં એક મહત્વની વાત સામે આવી છે. પુણેની ડી.વાય. પાટીલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એપિડેમોલોજિસ્ટ્સ અને કોમ્યુનિટી મેડિસિન એક્સપર્ટ્સ દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં પુણેના ૧૦૦૦ એવા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા કે જેમને કોરોના થયો હતો. આ સર્વે હજુ સુધી ક્યાંય પ્રસિદ્ધ નથી થયો.
ગત સપ્ટેમ્બર મહિના અને ત્યારબાદના સમયગાળામાં કોરોના થયો હોય તેવા દર્દીઓ પર આ વર્ષે જૂનમાં સીરો સર્વે દરમિયાન એન્ટિબોડી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે, કુલ ૧૦૮૧ લોકોમાંથી માત્ર ૧૩ લોકોને જ આ નવ મહિનાના ગાળા દરમિયાન ફરી કોરોના થયો હતો. આ હિસાબે ગણીએ તો રિઈન્ફેક્શનનું પ્રમાણ માત્ર ૧.૨ ટકા જેટલું થાય છે. બીજી રાહતની વાત એ હતી કે જે ૧૩ લોકોને ફરી કોરોના થયો તેમનામાં તેના લક્ષણો ખૂબ જ હળવા રહ્યા હતા અને તેઓ સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા હતા.
અભ્યાસમાં એવું પણ સામે આવ્યું હતું કે એકવાર કોરોના થઈ ગયા બાદ શરીરમાં બનતા એન્ટિબોડી લાંબા સમય સુધી રહે છે. જેનાથી એક્સપર્ટ્સ એવા તારણ પર આવ્યા છે કે ભારત જેવા કોરોનાના ખૂબ જ વધારે કેસ અને ધીમું વેક્સિનેશન ધરાવતા દેશમાં જે લોકોને હજુ સુધી કોરોના નથી થયો તેમને રસી આપવામાં પ્રાધાન્ય આપવું જાેઈએ. જે લોકોમાં કોરોના સામે લડવાની કુદરતી શક્તિ હજુ સુધી નથી વિકસી તેમને ઝડપથી રસી આપી તેમને કોરોનાથી બચાવી શકાય છે.
આ રિસર્ચના ટોચના સંશોધક અમિતાવ બેનર્જીના જણાવ્યા અનુસાર, રિસર્ચમાં પ્રાપ્ત થયેલો ડેટા સ્પષ્ટ નિર્દેશ કરે છે કે કોરોનામાંથી સાજા થયેલા લોકો વેક્સિન લેવામાં પાછળ રહે. દેશના અન્ય ભાગોમાં પણ કરવામાં આવેલા સીરો સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે ૭૦ ટકા જેટલી વસ્તીમાં એન્ટિબોડી ડેવલપ થઈ ગયા છે. જેથી હજુ સુધી જે ૨૦-૩૦ ટકા લોકોમાં એન્ટિબોડી નથી બન્યા તેમને વેક્સિન આપવામાં પ્રાધાન્ય આપવું જાેઈએ.
થર્ડ વેવ અંગે પોતાનો મત વ્યક્ત કરતા ડૉ. બેનર્જીએ જણાવ્યું હતું કે સેકન્ડ વેવ બાદ સીરોપોઝિટિવિટી લેવલ ૮૦ ટકા જેટલું જાેવા મળ્યું છે ત્યારે હાલ તુરંત થર્ડ વેવ આવે તેવી શક્યતા ઘણી ઓછી છે. ખાસ તો આ વર્ષમાં જ થર્ડ વેવ શરુ થાય તેવું હાલ તો નથી લાગી રહ્યું. પુણેમાં થયેલા આ અભ્યાસ પર દિલ્હી એઆઈઆઈએમએસના કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડૉ. સંજય રાયે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે થયેલા રિસર્ચમાં જે બાબત જાણવા મળી છે તેની સાથે આ રિસર્ચના પરિણામ ખાસ્સા મેળ ખાય છે.
કોવિડ-૧૯ નેશનલ ટાસ્ક ફોર્સના મેમ્બર સંજય પૂજારીના જણઆવ્યા અનુસાર, દુનિયામાં રિઈન્ફેક્શનનો જે ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે તે કંઈક આ પ્રકારનો જ છે. જે લોકો કોરોનામાંથી સાજા થઈ ચૂક્યા છે તેમને ફરી તેનો ચેપ લાગવાની શક્યતા ઘણી ઓછી છે. જાેકે, નવા વેરિયંટના સંદર્ભમાં આ બાબતને સમજવા હજુ વધુ અભ્યાસની જરુર છે. જ્યાં સુધી વધુ ડેટા ના આવે ત્યાં સુધી જે લોકો કોરોનામાંથી સાજા થઈ ચૂક્યા છે તેઓ પણ તમામ ગાઈડલાઈન્સનું પાલન કરે અને જલ્દી વેક્સિન પણ લઈ લે.