કોરોના બાદ હવે બર્ડ ફ્લુનો કહેર : કેરળમાં રાજકિય આપત્તિ જાહેર
નવી દિલ્હી, કોરોના વેક્સિન આવ્યાની રાહત વચ્ચે દેશમાં વધુ એક સંકટ ઘેરુ બની રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં બર્ડ ફ્લુ ફેલાયો છે. કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશમાં બર્ડ ફ્લુના કારણે ભયનું વાતાવરણ ઉભું થયું છે. જેના કારણે રાજ્ય સરકારો દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળ રાજ્ય સરકાર દ્વારા તો બર્ડ ફ્લુને રાજકિય આપત્તિ જાહેર કરી છે.
મધ્ય પ્રદેશમાં 23 ડિસેમ્બરથી લઇને 3 જાન્યુઆરી સુધીમાં 376 કાગડાઓના મોત થયા છે. સૌથી વધારે 142 પક્ષીઓના મોત ઇન્દોરમાં થયા છે. આ તમામ પક્ષીઓના સેમ્પલમાં બર્ડ ફ્લુનો વાયરસ મળ્યો છે. બ્રડ ફ્લુની પુષ્ટિ થયા બાદ પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે કે ભલે અત્યારે મરઘા પાલન કેન્દ્રના પક્ષીઓમાં બર્ડ ફ્લુના લક્ષણો ના દેખાય આમ છતા મરઘા પાલન કેન્દ્રના પક્ષીઓ, ઉત્પાદનો અને તળાવો પર વિશેષ નજર રાખવામાં આવશે. સાથે જ મંદસોરમાં તો ચિકન અને ઇંડાની દુકાનો બંધ રાખવાના આદેશ અપાયા છે.
ચતો કેરળમાં બર્ડ ફ્લુના કારણે પ્રશાસન એલર્ટ થયું છે. રાજ્યમાં કંટ્રોલ રુમ પણ ઉભા કરવામાં આવ્યા છે. કેરળના આલાપ્પુઝા અને કોટ્ટાયમ જિલ્લામાં બર્ડ ફ્લુની પુષ્ટિ થઇ છે. બંને જિલ્લાની અંદર પ્રશાસન દ્વારા ક્યુઆરટી ક્વિક રિએક્શન ટીમને તહેનાત કરવામાં આવી છે. કેરળના બંને જિલ્લામાં થઇને અત્યાર સુધીમાં 1700 બતકોના મોત થયા છે.
આ બાજુ હિમાચલ પ્રદેશના કાંગડામાં પોંગ તળાવની અંદર હજારોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓના મોત થયા છે અને તેમનો બર્ડ ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ વિસ્તારમાં પણ ચિકન અને ઇંડા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો હરિયાણાના બરવાલા વિસ્તારમાં પણ મરઘીઓના મોતના કારણે ભયનો માહોલ ઉભો થયો છે. ગત પાંચ ડિસેમ્બરથી આ સિલસિલો શરુ થયો છે. ગુજરાતના જૂનાગઢમાં પણ બર્ડ ફ્લુનુ જોખમ તોળાઇ રહ્યો છે. જૂનાગઢના માણાવદર તાલુકામાં એક સાથે 53 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તો આ તરફ રાજસ્થાનના અનેક જિલ્લામાં બર્ડ ફ્લુના કારણે પક્ષીઓના મોત થયા છે.