કોરોના ભય વચ્ચે ગાંધી આશ્રમ સહિત અનેક સ્થળો બંધ કરાયા
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કોઈ પણ કેસ નોંધાયા નથી છતાં એક પછી એક સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીને બંધ કરવામાં આવ્યા બાદ અન્ય મોટા સ્મારકો પણ બંધ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પોઈચા ધામ, સાબરમતી ગાંધી આશ્રમ, સરદાર પટેલ સ્મારક શાહીબાગને પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આનો મતલબ એ થયો કે આ સ્થળની મુલાકાત પણ લઈ શકાશે નહીં. બીજી બાજુ કોરોના સામે લડતના ભાગરૂપે સુરેન્દ્રનગરના કલેક્ટર કે રાજેશે ચોટીલા મંદિરને પણ બંધ કરવાનો નિર્ણય લઈ ચુક્યો છે.
આની સાથે ચામુન્ડા માતા મંદિર અન્ય ત્રણ મંદિર પણ બંધ કરી દેવાયા છે. ગુજરાતના તમામ મોટા શહેરોમાં સાવચેતીના પગલારૂપે જ્યાં વધુ સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે ત્યાં સાવચેતી રાખવામાં આવી રહી છે. તમામ મોટા મંદિરો જેમાં સિદ્ધિ વિનાયક મંદિર અને શેરડી મંદિરને બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે પણ હવે આવા નિર્ણય લેવાની હિલચાલ હાથ ધરી છે. ચૈત્રી નવરાત્રી નજીક પહોંચી રહી છે
ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર સ્થળો પર એકત્રિત ન થવા માટેની સુચના જારી કરી છે. ચૈત્રી નવરાત્રી કાર્યક્રમોને લઈને કોઈ નિર્ણયો કરાયા નથી પરંતુ આયોજકોને સુરક્ષાની પ્રાથમિકતા રાખવામાં કહેવામાં આવી રહ્યું છે. દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લુણાવાડાના દર્દીનો કોરાના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. લુણાવાડાના વૃદ્ધનો કોરોના વાયરસનો ટેસ્ટ સ્થાનિક લેબમાં શંકાસ્પદ જણાતા વધારે તપાસ માટે પુણે સ્થિત લેબમાં મોકલવામાં આવ્યો છે.
સ્થાનિક લેબમાં રિપોર્ટ શંકાસ્પદ આવતા ફેર તપાસ માટે વૃદ્ધના સેમ્પલ પુણે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. બીજીબાજુ, વૃદ્ધને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે દાખલ રાખવામાં આવ્યા છે. વૃદ્ધનો રિપોર્ટ શંકાસ્પદ લાગતા પરિવારના સભ્યો સહિતના લોકોનું સ્ક્રિનિંગ પણ હેલ્થ વિભાગે શરૂ કરી દીધુ છે. નિષ્ણાત તબીબોના ઓર્બ્ઝર્વેશન હેઠળ હાલ તો દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે અને તેની સઘન સારવાર ચાલી રહી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલાં લુણાવાડાના ૭૪ વર્ષના વૃદ્ધને દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વૃદ્ધ થોડા સમય પહેલાં જ મક્કા-મદીના ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ અને તાવ આવ્યો હતો. જેની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ કોરોના વાયરસના શકમંદ તરીકે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રવિવારે જ ટેસ્ટ માટે તેમનું સેમ્પલ લઇ બી.જે. મેડિકલ કોલેજની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું હતું.