કોરોના મહામારીની અસરથી ૫૦ કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાયા
નવીદિલ્હી, વિશ્વ આરોગ્ય સંસ્થા અને વિશ્વ બેંકના એક સ્ટડીમાં જણાવ્યા મુજબ કોવિડમાં આરોગ્ય સેવાઓ પાછળ ધરખમ ખર્ચ થવાથી ૫૦ કરોડથી વધુ લોકો ગરીબીની ગર્તામાં ધકેલાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન સહિતના દક્ષિણ એશિયાઇ દેશોમાં ગરીબ, મધ્યમવર્ગના લોકોની આર્થિક સંકળામણ માટે કોરોના મહામારી જવાબદાર છે. યૂનિવર્સલ હેલ્થ કવરેજ દરમિયાન જાહેર કરવામાં આવેલા અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સ્વાસ્થ્ય સુવિધામાં સુધારો જાેવા મળતો હતો પરંતુ કોવિડ-૧૯ની મહામારી તેમાં આડખીલી બન્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને વિશ્વ બેંકના એક સ્ટડીમાં જણાવ્યા મુજબ હજુ પણ કોરોના મહામારીના કારણે આર્થિક ગરીબ થતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે. ૧૯૩૦ પછી બીજા ક્રમની આર્થિક મંદી કોરોનાના પગલે જાેવા મળી છે.
લોકોમાં તણાવ, ચિંતા અને ઉજાગરા વધવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર થઇ રહી છે. પહેલાથી જ ચાલતા વિવિધ બીમારીઓના વેકિસન અને જાગુ્રતિ અભિયાનો પર અસર થવાથી ટીબી અને મલેરિયાથી થતા મુત્યુનું પ્રમાણ વધ્યું છે.
યુએનનું માનવું છે કે કોવિડ-૧૯ની મહામારીનું ત્રીજુ વર્ષ શરુ થઇ રહયું છે ત્યારે સમાનતાના ધોરણે સ્વાસ્થ્ય સેવાઓ મજબૂત કરવાની તાતી જરુરીયાત છે. દરેક દેશોએ લોકોના આરોગ્ય અને સામાજિક સુરક્ષા પર વધારે નાણા ખર્ચવાની જરુરીયાત છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓ લોકોને પોતાના ઘરની નજીક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી પડશે.HS