Western Times News

Gujarati News

કોરોના મહામારીમાં દર્દીઓની વિનામૂલ્યે સારવાર માટે ઇન્ડીયન મેડીકલ એશોસિએશને તત્પરતા દાખવી

 કોરોના સંદર્ભે પાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને જિલ્લાના ખાનગી તબીબો સાથે બેઠક યોજાઇ-ઇમરજન્સી સારવાર સિવાય ઓ.પી.ડી.બંધ રાખવા કલેકટરશ્રીનો અનુરોધ

(માહિતી બ્યુરો, પાલનપુર)             કોરોના વાયરસની મહામારીમાં સંક્રમિત દર્દીઓને પાલનપુર અને ડીસા સીવીલમાં વિનામૂલ્યે સારવાર આપવા માટે ઇન્ડીયન મેડીકલ એશોસિએશન બનાસકાંઠા એકમે સામેથી તત્પરતા દાખવી છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સંદર્ભે પાલનપુર મુકામે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને જિલ્લાના ખાનગી તબીબોની બેઠક યોજાઇ હતી.

જેમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, કોરોના વાયરસ ફેલાતો અટકાય તે માટે સોશ્યલ ડિસ્ટન્ટ ખુબ જરૂરી છે તે ધ્યાનમાં લઇ આ સમયગાળા દરમ્યાન ઇમરજન્સી સારવાર સિવાય ઓ.પી.ડી. બંધ રાખવા તેમણે ખાનગી તબીબોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, સામાન્ય બિમારીના કિસ્સામાં ઘેરબેઠા દર્દીને ફોનથી સલાહ અને મારર્ગદર્શન આપી લોકો સાથે અંતર જળવાય તે જરૂરી છે. બેઠકમાં કલેકટરશ્રીએ સરકારી ધારાધોરણ પ્રમાણે વળતર આપવાની વાત તબીબોને કરતાં તબીબોએ આ મહામારીની પરિસ્થિતિમાં વિનામૂલ્યે સારવાર આપવાની કલેકટરશ્રીને ખાતરી આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. મનીષ ફેન્સી, ઇન્ડીયન મેડીકલ એશોસિએશનના પ્રમુખશ્રી ર્ડા. અમિત અખાણી, જાણિતા સેવાભાવી તબીબ શ્રી સુરેન્દ્ર ગુપ્‍તા સહિત જિલ્લાના ર્ડાકટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.