કોરોના મહામારી વચ્ચે ભારતે માલદીવ્સને 25 કરોડ ડૉલર્સની સહાય કરી
નવી દિલ્હી, કોરોના મહામારીના પગલે આર્થિક ખેંચ અનુભવી રહેલા માલદીવ્સને ભારતે રવિવારે 25 કરોડ ડૉલર્સની મદદ કરી હતી. જો કે એથી ચીનને મરચાં લાગી શકે છે. અન્ય પાડોશી દેશોની જેમ માલદીવ્સમાં પણ ચીન ધરખમ મૂડી રોકાણ કરી રહ્યું હતું. માલદીવ્સના કુલ વિદેશી મૂડી રોકાણમાં ચીનનું પ્રદાન 70 ટકાથી વધુ હોવાનું કહેવાય છે. હિન્દી મહાસાગરમાં માલદીવ્સ વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. ખાસ કરીને કોઇ બે દેશ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો માલદીવ્સ મહત્ત્વનું સ્થાન ભોગવનારું બની રહે એમ છે.
આ સંજોગોમાં માલદીવ્સમાં ચીનનો દબદબો ઘટાડવાની જરૂર હતી. ભારતે માલદીવ્સને 25 કરોડ ડૉલર્સ આપ્યા તેથી ચીનનાં ભવાં તંગ થાય એવી પૂરી શક્યતા હતી. ભારતની આ સહાયને બિરદાવતાં માલદીવ્સના રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહિમ સોલિહે ટ્વીટર પર લખ્યું, ‘જ્યારે જ્યારે માલદીવ્સને દોસ્તની જરૂર પડે ત્યારે ભારત સદા આગળ આવતું રહ્યું છે. ભારતના લોકો, વડા પ્રધાન મોદી અને અન્યોનો હાર્દિક આભાર. તેમણે આજે પચીસ કરોડ ડૉલર્સની મદદ કરીને પાડોશી હોવાની ભાવના અને ઉદારતા દાખવી હતી.’