કોરોના મૃતકોની સંખ્યા મામલે અધિકારીઓ અને અંતિમધામોના આંકડામાં વિરોધાભાસ
સ્મશાનગૃહ અને કબ્રસ્તાનોમાં એપ્રિલ-મે મહિના દરમ્યાન મરણાંકમાં બેથી ચાર ગણો વધારો
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરમાં જુલાઈ મહિનાની શરૂઆતથી કોરોનાના કેસ અને મરણની સંખ્યા નિયંત્રણમાં છે. પરંતુ મે અને જૂન મહિના દરમ્યાન કોરોના વિસ્ફોટ થયો હોય એવી પરિસ્થિતિ હતી. શહેરમાં કોરોના કાળ દરમ્યાન કેસ અને મરણના આંકડા અંગે સતત આક્ષેપો થતાં રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાચા આંકડા જાહેર થતાં નથી એવી ફરિયાદો થતી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ ૩૦મી જૂન સુધી ર૦૦૮પ કેસ અને ૧૪૦પ દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે શહેરના અલગ અલગ સ્મશાન ગૃહ અને કબ્રસ્તાનમાં ૩૦મી જૂન સુધી નોધાયેલ મૃત્યુના આંકડા અત્યંત ચોંકાવનારા છે. શહેરના ર૪ સ્મશાનગૃહમાં ર૦ર૦ ના પ્રથમ ૦૬ માસમાં ર૧ હજાર કરતા વધુ મૃત્યુ નોંધાયા છે. જેમાં મે માસમાં નોંધાયેલ મૃત્યુની સંખ્યાને ચિંતાજનક માનવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ અને મૃત્યુ મામલે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ ઈમેજ ન બગડે એ માટે આંકડા છેપાવી રહ્યા હોવાના ઓક્ષેપો થતાં રહ્યા છે. શહેરના વિવિધ અંતિમ ધામોમાં નોંધાયેલા મરણના આંકડા આ આક્ષેપોને સાચા સાબિત કરી રહ્યા હોય એવો મત પણ પ્રવર્તી રહ્યો છે.
શહેરના ર૪ સ્મશાન ગૃહોમાં જૂન-ર૦ર૦ સુધી ૦૬ માસમાં કુલ ર૧પ૩ર મૃત્યુ નોંધાયા છે. જાન્યુઆરી મહિનામાં ૩૩૩પ, ફેબ્રુઆરીમાં ર૯૩૩, માર્ચ મહિનામાં ર૬૮પ, એપ્રિલમાં ૩૦પર, મે મહિનામાં ૬૧૪૭ તથા જૂનમાં ૩૩૮૦ મરણ વિવિધ સ્મશાન ગૃહોમાં નોંધાયા છે. જે પૈકી રખિયાલ-સ્મશાનગૃહમાં એપ્રિલ-મહિનામાં ૪૮ અને મે મહિનામાં ૧પ૩, ઠક્કરનગર અંતિમધામમાં અનુક્રમે ૧૯પ અને ૩૭૯, જમાલપુર સ્મશાનગૃહમાં ર૬ર અને ૬૬૯ , દૂધેશ્વરમાં ૧પ૩ અને પર૭, વી.એસ.સ્મશાનગૃહમાં ર૭૩ અને ૭૧ર, વાસણમાં ૮૪ અને ર૩૧, ચામુડામાં ર૮૩ અને ૮ર૧ તેમજ વાડજમાં ૩૯૮ અને પ૯૪ મૃત્યુની નોંધણી થઈ છે.
વાડજ સ્મશાન ગૃહ સિવાય અન્ય સાત સ્મશાનગૃહોમાં એપ્રિલની સરખામણીમાં મે મહિના દરમ્યાન લગભગ ત્રણથી ચાર ગણા વધારે મૃત્યુ નોંધાયા છે. નોંધનીય બાબત છે કે આ તમામ સાત સ્મશાન ગૃહોમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં નોંધાયેલા મરણની સંખ્યા અત્યંત ઓછી છે. સામાજીક કાર્યકર અને આર.ટી.ઓઈ એક્ટિવિસ્ટ પંકજ ભટ્ટના જણાવ્યા અનુસાર દર મહિને થયેલ એવરેજ મરણ નોંધણીની સરખામણીમાં મે માસ દરમ્યાન બે થી ત્રણ ગણા મૃત્યુ થયા છે. શહેરમાં મે-ર૦૧૯માં ૩૦૬૬ મરણ નોંધાયા હતા. જેની સામે મે-ર૦ર૦માં ૭૧ર૮ મરણ નોંધાયા છે.
ર૦ૅ૧૯ ના વર્ષમાં જાન્યુઆરીથી મે માસ સુધી પાંચ મહિનામાં ૧૭૧ર૩ મૃત્યુ નોંધાયા હતા. જ્યારે ર૦ર૦માં આ જ સમયગાળામાં રર૦પ૪ મૃત્યુ થયા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ. શહેરમાં મુસ્લીમ સમાજના જે દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે તેમની દફનવિધિ ચારતોડા કબ્રસ્તાન, ગંજ શહીદ, છીપા સમાજ અને મુસા સુહગ કબ્રસ્તાન ખાતે કરવામાં આવે છે. કોંગ્રેસના અગ્રણી નેતા જૂનેદ શેખના જણાવ્યા અનુસાર ગંજ શહીદ કબ્રસ્તાન ખાતે માર્ચથી જૂન માસ દરમ્યાન કોરોનાથી મૃત્યુ થયા હોય એવા ૧૯પ મરણ નોંધાયા છે. જેમાં માર્ચ મહિનામાં ૦ર, એપ્રિલમાં ર૭, મે મહિનામાં ૧૩ર તથા જૂન મહિનામાં ૩૪ કોરોનાથી મરણ થયેલ છે.
દર્દીની દફનવિધિ ગંજ શહીદ કબ્રસ્તાનમાં થઈ છે. જ્યારે મુસા સુહગ કબ્રસ્તાનમાં એપ્રિલ અને મે મહિના દરમ્યાન કોરોનાથી મૃત્યુ થયેલી ૭૯ નાગરીકોની દફનવિધિ થઈ છે. જ્યારે ચારતોડા કબ્રસ્તાનમાં એપ્રિલમાં ૦૬, મે મહિનામાં ૮૩ અને જૂનમાં ૧૯ કોરોના મૃતકોની દફનવિધિ કરવામાં આવી છે. ચારતોડા કબ્રસ્તાનમાં મે મહિનામાં ૩૩પ મરણ નોંધાયા હતા.
જૂન-ર૦૧૯ ના જૂન મહિનામાં ચારતોડા કબ્રસ્તાનમાં ૪૪ મૈયતની દફનવિધિ થઈ હતી. જ્યારે જૂન ર૦ર૦માં ૧૩પના મૃત્યુ નોંધાયા છે. શાહીબાગના મુસા સુહગ કબ્રસ્તાનમાં જૂન ર૦૧૯માં ૬૭, મૈયત નોંધણી થઈ હતી. જેની સામે જૂન -ર૦ર૦માં ૧૩પ મૈયતની દફનવિધિ કરવામાં આવી છે. ગંજશહીદ કબ્રસ્તાનમાં એપ્રિલ-ર૦૧૯માં ૬૬ અને મે -ર૦૧૯ માં ૬૧ મૈયતની દફનવિધિ કરવામાં આવી હતી. જેની સામે એપ્રિલ-ર૦ર૦માં ૧૯૯ અને મે -ર૦ર૦માં ૪૩૩ મૈયતની દફનવિધિ કરવામાં આવી છે. તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.
છીપા સમાજના અગ્રણી યાસિનભાઈ રોલવાલાના જણાવ્યા અનુસાર જમાલપુર છીપાવાડમાં કોરોનાના કેરણે ૭પ લોકોના મૃત્યુ થયા હોવાનો અંદાજ છે. જે પૈકી ૬૮ મૈયતની દફનવિધિ છીપા સમાજ કબ્રસ્તાન ખાતે કરવામાં આવી છે. ર૦ર૦ના વર્ષમાં જૂન માસ સુધી છીપા કબ્રસ્તાનમાં ૪૧૪ મૈયતની દફનવિધિ કરવામાં આવી છે. જેમાં એપ્રિલ મહિનામાં ૧૪૩ અને મે મહિનામાં ૧૩૮ મૈયત નોંધણી થઈ છે. જ્યારે બાકીના મહિનાઓમાં ૪૦ થી વધારે મૈયતની દફનવિધિ થઈ નથી. તેમ તેમણે જણાવ્યુ હતુ.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા અને સીનિયર કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે તંત્ર દ્વારા ૧૪પ૮ મૃત્યુ જાહેર કરવામાં આવ્યા છે. જેની સામે માત્ર મે મહિનામાં જ ગત વર્ષની સરખામણીમાં ૪૦૦૦ મૃત્યુ વધારે નોંધાયા છે. શહેરના વિવિધ અંતિમધામોમાં નોંધાયેલ મરણ સંખ્યા ખુબ જ વધારે છે.
કોરોના સિવાય અન્ય રોગોથી થયેલા મૃતકોની સંખ્યા ઓછી હોય છે જે પાછલા વર્ષના રેકોર્ડ પરથી સાબિત થાય છે તેથી અધિકારીઓ તેમની ઈજ્જત બચાવવા માટે સરકાર અને નાગરીકોને ગેરમાર્ગેે દોરી રહ્યા છે તે બાબત સ્પષ્ટ થાય છે. કોરોનાના મૃત્યુ મામલે અધિકારીઓ સાચા હોય તો તેમણે તમામ અંતિમ ધામ અને મ્યુનિસિપલ જન્મ-મરણ વિભાગમાં નોંધાયેલા આંકડા જાહેર કરવા જાઈએ એવી માંગણી પણ તેમણે કરી હતી.