કોરોના રસીના ૧૧ ડોઝ લેનારા બ્રહ્મદેવની આત્મહત્યાની ધમકી

નવી દિલ્હી, કોરોના વેક્સીનના ૧૧ ડોઝ લેનારા બિહારના વૃધ્ધ બ્રહ્મદેવ મંડલ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. હવે તેમની સામે ૧૧ ડોઝ લેવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે તેમણે આત્મહત્યાની ધમકી આપી છે.મંડલ પોલીસ દ્વારા ધરપકડ કરાશે તેવી બીકથી સંતાતા ફરી રહ્યા છે.
હવે મંડલે વિડિયો જાહેર કરીને કહ્યુ છે કે, સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ પોતાને બચાવવા માટે મારા પર ખોટો કેસ કર્યો છે.મારો પરિવાર ડરેલો છે.જાે મારી સામે કાર્યવાહી થશે તો હું આત્મહત્યા કરીશ.
મંડલે આ મામલે પીએમ મોદી સુધી ફરિયાદ કરવાની ધમકી આપી છે અને તેમણે ફરી કહ્યુ છે કે, વેક્સીનના ૧૧ ડોઝ લીધા બાદ મને બહુ ફાયદો થયો છે અને હું સ્વસ્થ થઈ ગયો છું.
મંડલના પત્નીએ પણ કહ્યુ છે કે, રસી લેતા પહેલા તેઓ બહુ બીમાર રહેતા હતા અને ચાલી પણ શકતા નહોતા.હવે તેઓ સાજા થઈ ગયા છે ત્યારે પોલીસ તેમની સાથે રીઢા ગુનેગાર જેવો વ્યવહાર કરી રહી છે.
આ પહેલા મંડલ રસીના ૧૧ ડોઝ લીધા હોવાનો દાવો કરીને ચર્ચામાં આવ્યા હતા.બ્રહ્મદેવ મંડલ પોસ્ટના નિવૃત્ત કર્મચારી છે.તેમનુ કહેવુ હતું કે, અલગ અલગ જગ્યાએ રજિસ્ટ્રેશન માટે આધાર અને વોટર આઈડીનો ઉપયોગ કર્યો હતો.સૌથી પહેલો ડોઝ મેં અગિયાર મહિના પહેલા લીધો હતો.SSS