કોરોના રસી નવેમ્બરમાં આવે તો પણ ભારતને નહીં મળી શકે
નવી દિલ્હી, અમેરિકા સહિત દુનિયાભરમાં કોરોના વાયરસ ફરી માથુ ઉચકી રહ્યો છે. શિયાળાની શરૂઆત સાથે જ કેસો વધી રહ્યાં છે ત્યારે દુનિયા આખી માટે એક સારા સમાચાર આવ્યા છે. જાણીતિ ફાર્મા કંપનીએ કોરોનાની રસી ક્લિનિકલ ટ્રાયલમાં સફળ રહી હોવાની જાહેરાત કરી છે. જોકે આ રસી સૌથી પહેલા ભારતને નહીં મળે.
ફાર્મા કંપની ફાઇઝરની કોરોના રસી ક્લિનિકલ ટ્રાયલ્સમાં ૯૦ ટકા અસરકારક હોવાનું જણાવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, જો બધુ સમુસુતરૂ રહેશે તો આ મહિનાના અંત સુધીમાં કંપનીને વેક્સીન વેચવાની મંજૂરી મળી શકે છે. આ વર્ષે તેનું સત્તાવાર ઉત્પાદન તૈયાર થઈ શકે છે. પરંતુ નિષ્ણાતોના મતે કદાચ ભારતને તાત્કાલિક લાભ નહીં મળે. આ વેક્સીનના પ્રારંભિક ડોઝ સૌપ્રથમ અમેરિકનને આપવામાં આવે છે.
અમેરિકાએ તેના ૧૦૦ મિલિયન ડોઝ ખરીદવા માટે પહેલેથી જ કરાર કરી લીધા છે. તો કેનેડા, જાપાન અને બ્રિટને પણ અગાઉથી ઓર્ડર આપી દીધા છે. આ ઉપરાંત નિષ્ણાંતોનું કહેવું છે કે એમઆરએનએ વેક્સીન માટે તાપમાનની કડક જરૂરિયાતોને કારણે રાષ્ટ્રીય ઇમ્યુનાઇઝેશન સ્ટ્રેટેજી હેઠળ ભારતમાં તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બનશે. આ વેક્સીન એમઆરએનએ પર આધારિત છે. ફાઈઝર પોતે પણ કહે છે કે, આ ડેટાના આધારે તે અમેરિકામાં ઈમરજન્સી ઓથોરાઈઝ્ડ અપ્રુવલ માટે અરજી કરી શકશે નહીં. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે સેફ્ટી પર વધુ ડેટાની જરૂર છે અને કંપની હાલના ક્લિનિકલ સ્ટડી દરમિયાન સેફ્ટી ડેટા એકત્રિત કરી રહી છે.
ફાઈઝરે યુરોપ અને એશિયામાં આ વેક્સીનના વિતરણ માટે જર્મન કંપની બિયોંટેક અને ચીની કંપની ફોસૂન સાથે જોડાણ કર્યું છે. ભારત આ વૈશ્વિક ડીલનો ભાગ નથી. ઉપરાંત ફાઇઝર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) સપોર્ટેડ કોવેક્સ ફેસિલિટીનો ભાગ નથી. આ ફેસિલિટી ગરીબ અને મધ્યમ આવકવાળા દેશો માટે વેક્સીન એકઠી કરવા માટે બનાવવામાં આવી છે. ભારતે કોઈપણ વૈશ્વિક અથવા ઘરેલું વેક્સીન કંપની સાથે અગાઉથી ખરીદી કરાર કર્યો નથી. એમઆરએનએ વેક્સીન માઇનસ ૧૭ ડિગ્રી તાપમાનમાં સંગ્રહિત કરવી પડે છે. તે અમેરિકા માટે પણ એક પડકાર છે.
વેલકમ ટ્રસ્ટ ઇન્ડિયાના ભૂતપૂર્વ સીઈઓ દેવીન્દર ગિલે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ભારતમાં આવી યોજના રાષ્ટ્રીય સ્તરે ચલાવવી અશક્ય છે. આ જ કારણ છે કે ભારત જેવા દેશોને એક વેક્સીનની જરૂર પડશે જે લોકો સુધી પહોંચાડવી સરળ રહે. અમેરિકામાં એડવાન્સ ઓર્ડર ઉપરાંત, ફાઈઝરને પણ વેક્સીન વિકસાવવા માટે ૧ અબજ ડોલર કરતા વધારેનું ભંડોળ પ્રાપ્ત થયું છે.
અમેરિકા પછી ભારત કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. દેશમાં ૬૫ લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત છે. જોકે, સક્રિય કેસની સંખ્યા ૫ લાખની નજીક છે. આ રોગચાળાને કારણે આ દેશમાં ૧ લાખ ૨૭ હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોના મહામારીએ વિશ્વભરમાં અત્યાર સુધીમાં ૧૨ લાખથી વધુ લોકોનો ભોગ લીધો છે અને આ રસીની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. ફાઇઝર તેના સાથી બિયોન્ટેક સાથે કોરોનાની વેક્સીન બનાવી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને ખૂબ મોટા સમાચાર ગણાવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે રસી ટૂંક સમયમાં આવી રહી છે. ૯૦ ટકાથી વધુ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.SSS