કોરોના રસી મફત આપવાના વચનમાં ભાજપને ક્લિનચિટ
નવી દિલ્હી, બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મફત કોરોના વાયરસ રસીના વાયદાને ચૂંટણી પંચે ક્લીન ચિટ આપી દીધી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ વાયદાથી ચૂંટણીની આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી થતું. આરટીઆઈ કાર્યકર્તા સાકેત ગોખલેએ આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૦માં તેમના સંકલ્પ પત્રમાં બિહારમાં કોરોનાની વેક્સીન મફતમાં આપવાનો વાયદો કર્યો છે. ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈને રાજકીય મહાલો ગરમાયો હતો. વિપક્ષે ભાજપ પર ચૂંટણીની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના નેતાઓ સતત કહી રહ્યા હતા કે તેમના આ વાયદાથી ક્યારેય આચાર સંહિતાનો ભંગ નથી થયો. હવે ચૂંટણી પંચે પણ લીલીઝંડી આપી દેતા ભાજપને મોટી રાહત મળી છે.
આરટીઆઈ કાર્યકર સાકેત ગોખલેએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી કે મફત રસીની જાહેરાત કેન્દ્રની શક્તિનો દુરૂપયોગ અને મતદારોને ગુમરાહ કરવાનો પ્રયાસ છે. આ વાયદો એવા સમયે કરાયો છે જ્યારે હજી સુધી વેક્સીનની પોલિસી પણ ઘડાઈ નથી.
ચૂંટણી પંચે ભાજપના ફ્રી કોરોના વેક્સીનના વાયદાને આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી ગણ્યું. ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ન્યાય યોજનાના વાયદા અંગે પણ ચૂંટણી પંચનું વલણ આ મુજબ જ રહ્યું હતું. ત્યારે કોંગ્રેસના વિરોધીઓએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ન્યાય યોજનામાં કોંગ્રેસે ૨૫ કરોડ લોકોને દર મહિને લઘુત્તિમ રૂ. ૬,૦૦૦ અથવા પ્રતિ વર્ષ રૂ. ૭૨,૦૦૦ આપવાનું વચન આપ્યું હતું. બિહાર વિધાનસભા ચૂંટણી અગાઉ મેનીફેસ્ટોમાં ભાજપે ૧૧ વચનો આપ્યા હતા જેમાં કોરોનાનું મફત રસીકરણ પણ મહત્વનો વાયદો રહ્યો હતો.SSS