કોરોના રસી માટે ખાનગી હોસ્પિટલો ખંખેરી શકે છે 10 થી 20 લાખ રૂપિયા: બ્રિટિશ ડોક્ટરનો દાવો
નવી દિલ્હી, બ્રિટનમાં કોરોના સામે રક્ષણ માટે વેક્સિનેશન શરૂ થઇ ગયું છે. પરંતુ, પહેલા તબક્કામાં એ લોકોને જ વેક્સીન આપવામાં આવી રહી છે જેમને કોરોનાથી સૌથી વધુ ખતરો છે. જેમાં હોસ્પિટલ સ્ટાફ અને વડીલોનો સમાવેશ થાય છે. પરંતુ, હવે અમીર લોકો નિયમો તોડીને વેક્સીન લેવાના પ્રયાસો કરી રહ્યા છે.
એક રિપોર્ટ મુજબ, બ્રિટનમાં અનેક અમીરો એવા છે જે પ્રાયવેટ ક્લિનિકનો સંપર્ક કરી રહ્યા છે અને કોરોના વેક્સીનના એક ડોઝ માટે લાખો રૂપિયા આપવાની ઓફર કરી રહ્યા છે. બ્રિટનના ચેશાયરમાં ખાનગી ક્લિનિક ચલાવી રહેલા ડોક્ટર રોશન રવિન્દ્રને જણાવ્યું છે કે આમિર લોકો સરકારની બનાવેલી ગાઇડલાઇન તોડીને વેક્સીન મેળવવા પ્રયાસો કરી રહ્યા છે.
જોકે હાલ બ્રિટનમાં માત્ર નેશનલ હેલ્થ સર્વિસની હોસ્પિટલમાં જ કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે. બ્રિટનમાં હજુ સુધી માત્ર ફાઇઝરની વેક્સિનને જ મંજૂરી મળી છે. જોકે, અમેરિકામાં ફાઇઝરની સાથે સાથે મોડર્નાની રસી પણ આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આવનાર સમયમાં ઓક્સફોર્ડની વેક્સીનને પણ બ્રિટનમાં મંજૂરી મળી શકે છે.
તો, પ્રાયવેટ ક્લિનિક ચલાવતા ડૉ. રોશન રવિન્દ્રનએ કહ્યું છે કે ખાસ કરીને એવા લોકો પૈસા ખર્ચીને વેક્સીન લેવા માંગે છે જેમના સ્વજનોનું કોરોનાને કારણે મોત થયું હોય.ડૉ. રવિન્દ્રને એ પણ જણાવ્યું કે હાલ તો વેક્સીનના તમામ ડોઝ સરકારે જ ખરીદ્યા છે, પરંતુ, આશા સેવવામાં આવી રહી છે કે એપ્રિલથી ખાનગી ક્લિનિકને પણ વેક્સીન સપ્લાય કરવામાં આવશે અને ત્યારે લોકો વધુ પૈસા આપીને વેક્સીન ખરીદવા તૂટી પડશે.