કોરોના રસી મુદ્દે મોદી બોલીને ફરી ગયા : રાહુલ ગાંધી
નવી દિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે કોરોનાની રસીના મુદ્દે મોદી બોલીને ફરી ગયા હતા. બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે કહ્યું હતું કે બધાંને ફ્રી કોરોનાની રસી આપશું.
હવે બોલેલું ફરી ગયા છે અને કહે છે કે બધાંને રસી આપવાનું કહ્યુંજ નથી. હું વડા પ્રધાનને જાહેરમાં કહું છું કે કોરોના રસીના મુદ્દે તમારું સાચું સ્ટેન્ડ શું છે એ સ્પષ્ટ કરો. રાહુલે ટ્વીટર પર આ મુદ્દો રજૂ કર્યો હતો અને સરકારની આકરી ટીકા કરી હતી. રાહુલે કહ્યું કે આરોગ્ય ખાતાના સચિવ રાજેશ ભૂષણે પણ કહ્યું કે જેમને કોરોના થવાની શક્યતા હતી તેમને રસી આપવાની પ્રાથમિકતા અપાશે. બધાને રસી આપવાનો સવાલ જ નથી.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના વડા બલરામ ભાર્ગવે કહેલું કે કોવિડની ચેન તોડવા માટે રસીકરણ જરૂરી હતું. એ માટે બધાંને રસી આપવાની જરૂર નથી. આમ દરેક જણ જુદી જુદી વાત કરે છે. હવે વડા પ્રધાન સ્પષ્ટ કરે કે કોરોના રસી બાબતમાં સરકારનો શો અભિગમ છે એમ રાહુલે વધુમાં લખ્યું હતું.