કોરોના: ર૧પ દિવસ.. ૩૭૪૩૬ કેસ.. રૂા.૩૧૩ કરોડ ખર્ચ
ટેસ્ટીંગ કીટ માટે રૂા.૯ર કરોડનો ખર્ચ: એસવીપી હોસ્પિટલમાં રૂા.૧૧૦ કરોડ ખર્ચ થયો
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં માર્ચ મહીનાથી કોરોના વાયરલ આતંક મચાવી રહયો છે. શહેરમાં ૧૮ માર્ચે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જેના ર૧પ દિવસ બાદ એટલે કે ૧૮ ઓકટોબરે કોરોનાના કેસની સંખ્યા ૩૭ હજારને પાર કરી ગઈ છે. કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા તથા સંક્રમિત થયેલા દર્દીઓની સારવાર છેલ્લા સાત મહીનાથી સમગ્ર તંત્ર દિવસ-રાત કામ કરી રહયુ છે. કોરોનાનો વ્યાપ અટકાવવા માટે ટેસ્ટીંગની સંખ્યામાં વધારો થાય તે જરૂરી છે. મ્યુનિ. કોર્પોરેશન છેલ્લા બે મહીનાથી આ દિશામાં જ કામ કરી રહયુ છે તથા મોટી સંખ્યામાં ટેસ્ટીંગ થાય તે આશયથી ૧૦૦ જેટલા સ્થળોએ કીઓસ્ક ઉભા કરવામાં આવ્યા છે.
તદ્પરાંત તમામ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે પણ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહયા છે. કોરોનાના મહતમ ટેસ્ટ થાય તથા ટેસ્ટીંગ કીટની અછત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પુરતી તૈયારી કરવામાં આવી છે તેમજ રૂા.૯ર કરોડના ખર્ચથી કોરોના ટેસ્ટીંગ કીટની ખરીદી કરવામાં આવી છે. જયારે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો તે સમયથી ૧૮ ઓકટોબર સુધી માત્ર કોરોના કામગીરી માટે રૂા.૩૧૩ કરોડનો ખર્ચ થયો છે. આ તમામ ખર્ચ રાજય સરકારની સુચના મુજબ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહયો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ કોવિડ-૧૯ (કોરોના)ને નિયંત્રણમાં લેવા માટે માસ્ક અને મહતમ ટેસ્ટીંગ એ જ મુખ્ય શસ્ત્ર છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બંને શસ્ત્રના મહતમ ઉપયોગ માટે પ્રયાસ કરવામાં આવી રહયા છે. રાજયમાં અનલોક જાહેર થયા બાદ મનપા દ્વારા મોટી સંખ્યામાં એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે જેમાં પ્રાથમિક તબકકે ખાનગી સોસાયટીઓ તથા વ્યાપારીક સંકુલોને આવરી લેવામાં આવ્યા હતા, ત્યારબાદ શહેરના નાના મોટા જંકશનો પર કિઓસ્ક તૈયાર કરવામાં આવ્યા છે.
મ્યુનિ. કોર્પોરેશને પ૦ ટકા નાગરીકોના ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક નકકી કર્યા છે. જેના માટે પ્રાથમિક તબક્કે ર૦ લાખ એન્ટીજન ટેસ્ટ કીટ ખરીદ કરવામાં આવી છે. એક ટેસ્ટ કીટની કિંમત તમામ ટેક્ષ સહીત રૂા.૪પ૯ થાય છે. આમ રૂા.૯૧ કરોડના ખર્ચથી એન્ટીજન ટેસ્ટ કીટ લેવામાં આવી છે. જયારે ૬૦ હજાર નંગ આર.ટી.પી.સી.આર. કીટ લેવામાં આવી છે. જેના માટે પ્રતિ નંગ રૂા.૧૧૯ ચુકવવામાં આવ્યા છે. આમ તંત્ર દ્વારા લગભગ ૩૦ ટકા વસતીના ટેસ્ટ માટે રૂા.૯ર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન તરફથી ટેસ્ટની સંખ્યા વધારવા સતત પ્રયત્ન થઈ રહયા છે.
શહેરના નાગરીકોને કોરોના પ્રકોપથી બચાવવા માટે મનપા દ્વારા ર૧પ દિવસમાં રૂા.૩૧૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં વિનામૂલ્યે ટેસ્ટીંગ અને સારવારનો સમાવેશ થાય છે. તદ્પરાંત તબીબો, પેરા મેડીકલ તેમજ સહાયક સ્ટાફ માટે અંદાજે બે લાખ નંગ પીપીઈ કીટની ખરીદી કરવામાં આવી છે. જયારે આઠ હજાર નંગ ઓકસીમીટર લેવામાં આવ્યા છે. લગભગ તેટલી જ સંખ્યામાં વિવિધ સંસ્થાઓ દ્વારા ઓકસીમીટર ડોનેશન પેટે આપવામાં આવ્યા છે.
જયારે રપ૦૦ નંગ થર્મલ ગન લેવામાં આવી છે તેમજ ૧.૭પ લાખ લીટર સેનેટાઈઝરની ખરીદી કરવામાં આવી છે. ટેસ્ટીંગ કીટ સહીત તમામ મહત્વની દવાઓ અને કોરોના કીટની ખરીદી માટે રૂા.૧૧૮ કરોડનો ખર્ચ થયો છે. મ્યુનિ. કોર્પોરેશન (મેટ) સંચાલિત એસ.વી.પી. હોસ્પિટલમાં કોરોના દર્દીઓના ટેસ્ટીંગ અને સારવાર માટે રૂા.૧૧૦ કરોડનો ખર્ચ થયો છે. જેમાં ટ્રાન્સપોર્ટેશન અને ફુડ પેકેટ સહીતના ખર્ચનો સમાવેશ થાય છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલો અને હોટેલો સાથે કરાર કરવામાં આવ્યા છે જે પેટે રૂા.૮પ કરોડનો ખર્ચ થયો છે. જેમાં ખાનગી હોસ્પિટલોને જનરલ વોર્ડના બેડ દીઠ રૂા.૪પ૦૦, એચડીયુ માટે રૂા.૬૭પ૦, આઈસીયુ માટે રૂા.૯૦૦૦ તેમજ વેન્ટીલેટર બેડ માટે રૂા.૧૧રપ૦ દૈનિક ચુકવવામાં આવે છે આ તમામ ખર્ચ મ્યુનિ. કોર્પોરેશન ઉઠાવી રહયું છે. શહેરમાં ૧૮ માર્ચના રોજ પ્રથમ કેસ નોંધાયો હતો ૧૮ ઓકટોબર સુધી કેસની સંખ્યા વધી ૩૭૪૩૬ થઈ છે. આમ પ્રતિ કેસ રૂા.૮૩ હજારનો ખર્ચ થાય છે.
જયારે દૈનિક સરેરાશ ખર્ચ રૂા.૧.૪૬ કરોડ થાય છે. અમદાવાદ શહેર, રાજય તથા અન્ય રાજયોના દર્દીઓની જીંદગી બચાવવા માટે મ્યુનિ. કોર્પોરેશને તિજાેરી ખુલ્લી મુકી છે. રાજય સરકાર તરફથી મનપાને રૂા.૬૪ કરોડ મળ્યા છે. કોરોના કાળમાં નાણાકીય ભીંસ હોવા છતાં મનપા દ્વારા તમામ ખર્ચ કરવામાં આવી રહયો છે. હવે સમજવાની જવાબદારી નાગરીકો અને કરદાતાઓના શિરે છે.