કોરોના વચ્ચે બુક્સ-સ્ટેશનરીનો ૪૦૦ કરોડનો ધંધો ભાંગી પડ્યો
અમદાવાદ: સામાન્ય રીતે જુન માસની શરૂઆતમાં જ સ્ટેશનરી માર્કેટમાં લોકોની વિશેષ ભીડ જાવા મળતી હોય છે પરંતુ આ વખતે માર્કેટ ખાલીખમ ભાસી રહ્યા છે કારણ છે કોરોના. મહામારી કોરોનાએ આ વખતે દેશ નહીં પરંતુ દુનિયાભર પરના માર્કેટ પર મોટી અસર છોડી છે. ત્યારે આ વર્ષે કોરોનાને લીધે શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ શક્યા નથી. જે શાળાઓએ શિક્ષણ શરૂ કર્યું છે તેઓ પણ ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે.
પરિણામે મોટાભાગનાં વિદ્યાર્થીઓએ આ વખતે સ્ટેશનરી અને ચોપડીઓ ખરીદવાની હજુ પણ બાકી છે અને જે ચોપડાઓ અને સ્ટેશનરી દર વર્ષે ખરીદતા હતા તેમાં પણ ભણતર પૂરું થશે કે કેમ તેની દ્વિધામાં ઘણી ઓછી ખરીદી કરી છે. ગુજરાત બુક સેલર એસોસિએશનના પ્રમુખ નરેશ શાહ જણાવે છે કે, દર વર્ષે ૪૦૦ કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય અમારી નોટબુક અને સ્ટેશનરી એસોસિએશનના વેપારીઓ કરતા હોય છે. જે આ વર્ષે નહિવત્ ૨૫ ટકા જેટલો જ રહી ગયો છે. એક સેમેસ્ટર પૂરું થાય ત્યાં સુધી તો અમને કોઈ ધંધો દેખાતો નથી. તો ગ્રાહકોએ પણ તેમની નોટબુક અને ચોપડીઓ તથા વિવિધ સ્ટેશનરી વસ્તુઓની ખરીદીમાં ૭૫ ટકા સુધીનો કાપ મૂક્યો છે અને માર્કેટમાં ઘરાકી ૨૫ ટકા જેટલી થઈ ગઈ છે.