કોરોના વધતો હોવાની ચર્ચા વચ્ચેે કોરોના ટેસ્ટના ૮પ ડોમ બંધ કરી દેવાયા
(એજન્સી) અમદાવાદ, શહેરમાં જ નહિં દેશભરમાં કોરોના ફરી ઉથલો મારી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે મ્યુનિસિપલે જાહેર માર્ગો ઉપર ઉભા કરેલા ૮પ જેટલા કોરોના ટેસ્ટ ડોમ બંધ કરી દીધા છે. મ્યુનિસિપલ હેલ્થ ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં છેલ્લા કેટલાંક મહિનાથી કોરોના મહામારીનેે અંકુશમાં લેવા જે રીતે સઘન પગલાં લેવાઈ રહ્યા છે તેના પગલે કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.
અને હાલ પ્રતિદિન પ૦ની આસપાસ જ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.એટલું જ નહીં કોરોના સંક્રમણ ફેલાવાનું પ્રમાણ પણ નહિંવત થઈ જતાં તથા કોરોના રસીકરણ અભિયાન શરૂ કરી દેવાતા નાગરીકો ભયમુક્ત બની જઈ સામાન્ય જીવન વ્યતિત કરી રહ્યા છે.
કોરોના મહામારીને અંકુશમાં લેવા માટે મ્યુનિસિપલ હેલ્થ ખાતાએ ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ અર્બન હેલ્થ સેન્ટરો, હોસ્પીટલો ઉપરાંત કોરોના ટેસ્ટનું પ્રમાણ વધારવા માટે જુદા જુદા વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર કોરોના ટેસ્ટ ડોમ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં એક તબક્કે લોકોની લાઈનો લાગવા માંડી હતી.
પરંતુ છેલ્લા કેટલાંય સમયથી કોરોના ટેસ્ટ ડોમમાં રડ્યાખડ્યા જ નાગરીકો ટેસ્ટ કરાવવા આવતા હોવાથી ડોમ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. એટલું જ નહીં કોરોના ટેસ્ટ ડોમમાં નર્સિગ સ્ટુડન્ટને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને પણ મુક્તિ મળતા તેઓ તેમનો અભ્યાસ ચાલુ કરી શક્યા છે.
આ સિવાય કોરોના મહામારી સામે નાગરીકોને વિનામૂલ્યે સારવાર મળી રહે એ માટે વિવિધ વિસ્તારોમાં ૧૧૦ જેટલી ખાનગી હોસ્પીટલોમાં પ૦ ટકા બેડ સંપાદિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ બેડ ખાલી હોય તો પણ મ્યુનિસિપલ દ્વારા નિર્ધારીત કરવામાં આવેલી રકમ ચુકવવામાં આવતી હતી.
વર્તમાન સમયમાં કોરોના કેસોનું પ્રમાણ ઘટી જતાં સંપાદિત ખાનગી હોસ્પીટલો પૈકી કેટલીય હોસ્પીટલોએ તેમને ડીનોટીફાઈ કરવા અનુરોધ કર્યો હતો. તેમજ મ્યુનિસિપલને પણ બિનજરૂરી નાણાં ચુકવવા પડે નહીં તે માટે ઉચ્ચ અધિકારીઓની મંજુરી લઈને પપ જેટલી હોસ્પીટલોને ડીનોટીફાઈ કરી દેવામાં આવી છે.