કોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટે પાલનપુર સીવીલમાં તૈયાર કરવામાં આવેલ આઇસોલેશન વોર્ડની કલેકટરે મુલાકાત લીધી
(માહિતી બ્યુરો, પાલનપુર) નોવેલ કોરોના વાયરસ કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાચ્છોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. હાલમાં વિશ્વમાં તથા દેશમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસની પરીસ્થિતિને ધ્યાને લેતાં રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે ભારત સરકાર તરફથી પરિપત્ર મારફતે સમયાંતરે મળેલ સૂચનાઓ ધ્યાને લઇ તકેદારીના પગલારૂપે રાજ્યમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓ માટે સમગ્ર ગુજરાતમાં આઈસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જે સંદર્ભે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે સીવીલ હોસ્પીટલમાં આરોગ્ય તંત્ર દ્વારા ૨૬ બેડનો આઈસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું કલેકટરશ્રી સંદીપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાઅુ નિરીક્ષણ કર્યુ હતું. પાલનપુર સીવીલ હોસ્પીટલના ટ્રોમા સેન્ટર અને આઈસોલેશન વૉર્ડની મુલાકાત લઈ ઉપસ્થિત આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય વિભાગના ર્ડાકટરો અને સ્ટાફને તાલીમ આપી સજ્જ રાખવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર ઉપરાંત પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ૧૦ બેડનો ઓઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ડીસા અને થરાદ ખાતે પણ આઈસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે તેમ ર્ડા.એન.કે.ગર્ગે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના લક્ષણવાળો કોઈ દર્દી જોવા મળે તો તેને પ્રાથમિક સારવાર આપી શકાય તેવી તમામ પ્રકારની વ્યવસ્થા આઈસોલેશન વૉર્ડમાં રાખવામાં આવી છે. કોરાના વાયરસના દર્દીઓના સગાવ્હાલાને સારવાર આપવા ડીસા અને છાપી ખાતે ક્વારાઇટીંગ વોર્ડ બનાવાયા છે. આ મુલાકાત દરમ્યાન સીવીલ સર્જન સહિત, પાલનપુર સીવીલ હોસ્પીટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.