કોરોના વાઈરસથી બચવા માટે પૂર્વકાળજી લેતુ વડોદરા મધ્યસ્થ જેલ તંત્ર
મુલાકાતીઓને હેન્ડ વોશ કરવ્યા પછી મળવા દેવાશે- કોરોના વાઈરસથી બચવા માટે લેવાની કાળજી અંગે મેડીકલ ટીમે કેદીઓને કર્યા વાકેફ- કેદીઓની કોર્ટમાં મહત્તમ હાજરી વીડિયો કોન્ફ્રન્સિંગના માધ્યમથી થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે: શ્રી બલદેવસિંહ વાઘેલા, સુપ્રિટેન્ડેન્ટ, વડોદરા મધ્યસ્થ જેલ
વડોદરા: સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસની મહામારી અને વ્યાપ્તતા પગલે રાજ્ય સરકાર તમામ તકેદારીના પગલા ભરી રહી છે ત્યારે વડોદરા મધ્યસ્થ જેલ તંત્ર કોરોના વાઈરસથી જેલના કેદીઓને સુરક્ષિત રાખવા માટે સજગ બન્યું છે. આ માટે કેદીઓને મેડીકલ ટીમ જરૂરી તમામ સૂચનાઓ આપવાની સાથે તકેદારીના ભાગરૂપે તમામ પગલા જેલ તંત્ર દ્વારા ભરવામાં આવી રહ્યા છે.
મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ શ્રી બલદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આજે અમારી મેડીકલ ટીમે જેલના યાર્ડમાં જઈ કેદીઓને કોરોના વાઈરસથી બચવા માટે તકેદારીના ભાગરૂપેની તમામ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત જેલમાં કેદીઓ મુલાકાતીઓ સંખ્યા સાતમાંથી ઘટાડીને પાંચ કરી દેવામાં આવી છે અને મુલાકાતીઓ માટે ખાસ હેન્ડ વોશની સુવિધા કરવામાં આવી છે. તેમજ કોર્ટમાં કેદીઓની હાજરી મહત્તમ વીડિયો કોન્ફ્રેન્સીંગના માધ્યમ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અને કેદીઓની પરિવારજનો સાથેની રૂબરૂ મુલાકાત ટાળીને શક્ય હોય ત્યાં સુધી વીડિયો કોલીંગથી સંવાદ કરાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
મધ્યસ્થ જેલા ખાતે ડો. પ્રકાશ પાન્ડેએ કેદીઓને કોરોના વાઈરસથી બચવા અંગે સ્વચ્છતાની વિશેષ કાળજી લેવા, સાબુથી ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી હાથ ધોવા અને વારંવાર હાથ ધોવાનુ રાખવું, મો, આંખ, અને નાકને હાથ ધોયા સિવાય અડકવું નહી, રૂમાલનો ઉપયોગ કરવો, તાવ, કફ, શરદી, હોય તેવા વ્યક્તિ-કેદીઓથી દૂર રહેવુ, અને તાત્કાલિક દવાખાનામાં સારવાર લેવી, કોઈ પણ વ્યક્તિ સાથે હાથ મિલાવવો નહિં અને નમસ્કારની મુદ્રામાં અભિવાદન કરવું, ટોળા મેળવળાથી દૂર રહેવુ, પરિવાર-સગા સંબંધીની મુલાકાત દરમિયાન રૂમાલ સાથે રાખવો મોં બાધી રાખવો વગેરે બાબતોની તકેદારી રાખવા કેદી ભાઈઓને વાકેફ કર્યા હતા.